Friday, October 18News That Matters

ગુજરાતમાં ચૂંટણી આચારસંહિતા વચ્ચે વાપી ટાઉન પોલીસે 2 અલગ અલગ ટેમ્પામાંથી 22.62 લાખનો દારુ કબ્જે કર્યો

વાપી ટાઉન પોલીસે ગુજરાતની ચુંટણીમાં બુટલેગરોએ મંગાવેલ દારૂના જથ્થાને ઝડપી પાડ્યો છે. ટાઉન પોલીસે મહારાષ્ટ્ર પાર્સિંગના 2 અલગ અલગ ટેમ્પો ને અટકાવી તેમાંથી કુલ 22,62000 ની કિંમત ના વિદેશી દારૂ બિયરના જથ્થા સાથે બંને ટેમ્પોના ચાલકને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતમાં વિધાનસભા ચુંટણી 2022ને લઈ ચૂંટણી આચારસંહિતા અમલી બની છે. ત્યારે વલસાડ જિલ્લાની તમામ સરહદી ચેકપોસ્ટ પર નાકાબંધી ગોઠવી દેવામાં આવી છે. તેમ છતાં ગુજરાતમાં દારૂ ઘુસાડનારાઓ નવા નવા કિમીયા સાથે પકડાઈ રહ્યા છે. આવી જ કિમીયાગીરી કરી તલાસરીની બનાવટનો અને દમણ સેલવાસમાં લઈ જવાતો દારૂ બિયરનો જથ્થો ગુજરાતમાં સુરત તરફ લઈ જતા 2 ટેમ્પામાંથી વાપી ટાઉન પોલીસે અંદાજિત 22,62000 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી બંને ટેમ્પો ચાલકની અટક કરી દારૂ મોકલનાર અને મંગાવનાર બુટલેગરોનેે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
વાપી ટાઉન પોલીસે આપેલી વિગતો મુજબ ગુરુવારે ટાઉન પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે, એક MH48-CB-0784 નંબર નો ટેમ્પો દારૂ-બિયરના જથ્થા સાથે નેશનલ હાઇવે નંબર 48 પરથી સુરત તરફ જવાનો છે. જે બાતમી આધારે વાપી ટાઉન પોલીસે વાપી ચાર રસ્તા નજીક ગિરિરાજ હોટેલ પાસે વોચ ગોઠવી હતી. જે દરમ્યાન બાતમી વાળા નંબર નો ટેમ્પો આવતા તેને અટકાવી તેમાં ચેક કરતા ટેમ્પોમાં પ્લાસ્ટિકના ગુલ્લકના 20 જેટલા થેલા હતા. જેની નીચે 118 બોક્સ દારૂ બિયરનો જથ્થો છુપાવવામાં આવ્યો હતો.
પોલીસે તાત્કાલિક ટેમ્પો ચાલકને ઝડપી લઈ વાપી ટાઉન પોલીસ સ્ટેશને લાવી ટેમ્પોમાંથી તમામ પ્લાસ્ટિકના ગુલક નો જથ્થો અલગ તારવી દારૂ-બિયરના બોક્સની ગણતરી કરતા તે 118 હતા જેની અંદાજિત કિંમત 6,97,200 હોય તમામ દારૂનો જથ્થો અને ટેમ્પો જપ્ત કરી ટેમ્પો ચાલકની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, ટાઉન પોલીસે આ પહેલા મોડી રાત્રે તલાસરી તરફથી ટેમ્પોમાં દારૂનો જથ્થો ભરી સુરત તરફ જતા ટેમ્પો ચાલકને ઝડપી 15,64,800નો દારૂ, 10 લાખનો ટેમ્પો મળી કુલ 25,89,600નો મુદ્દામાલ અને ટેમ્પો ચાલકને ઝડપી પાડ્યો હતો. ટાઉન પોલીસે વાપી નજીક બલિઠા બ્રહ્મદેવની સામે હાઇવે પર ટેમ્પો નંબર MH04-HY-8066ના ચાલકને અટકાવી તપાસ કરતા તેમાંથી 298 દારૂ-બીયરની બોટલ મળી આવી હતી. પોલીસે આ તમામ જથ્થો સુરત તરફ લઈ જતા ચાલકને દબોચી લીધો હતો. જ્યારે દારૂ મોકલનાર અને મંગાવનાર ને વોન્ટેડ જાહેર કર્યા હતાં.
આમ એક જ દિવસમાં ટાઉન પોલીસે 22,62000નો દારૂ, 10-10 લાખના 2 ટેમ્પો મળી કુલ 42,62000 નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ ગુજરાતની ચુંટણી ટાણે ગુજરાતમાં ઠલવાઇ રહેલ મહારાષ્ટ્ર, દમણ, સેલવાસના દારૂને જપ્ત કરી બુટલેગરો પર તવાઈ બોલાવતી કાર્યવાહી સાથે ગુજરાતમાં ગેરકાયદેસર દારૂ ઘુસાડવાના ષડ્યંત્રનો પર્દાફાશ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *