Friday, December 27News That Matters

વાપી ટાઉન પોલીસે ચોરી-લુંટ કરવાના ઇરાદે નીકળેલ સીકલીગર ગેંગને હથીયારો સાથે પકડી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધી 

 વાપી ટાઉન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર ભુપેન્દ્રસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મચારીઓ દ્વારા વાપીના ગોલ્ડકોઈન સર્કલ પાસેથી બાઇક પર નીકળેલ 3 આરોપીઓને ઝડપી પાડી ચપ્પુ, ચોરી કરવાના સાધનો, મોટરસાયકલ સહિત 30,200 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે લીધો છે. પકડાયેલ ત્રણેય આરોપીઓ સિકલીગર ગેંગના હોય તેમની વધુ પૂછપરછ કરતા અન્ય ગુન્હામાં વોન્ટેડ હોવાની વિગતો મળી છે.
પોલીસ અધિક્ષક ડૉ.રાજદીપસિંહ ઝાલા તથા મદદનીશ પોલીસ અધિક્ષક શ્રીપાલ શેષમાના સીધા માર્ગદર્શન અને સુચના હેઠળ વાપી ટાઉન પોલીસ ઇન્સ્પેકટર બી. જે. સરવૈયાની રાહબરી હેઠળ સ્ટાફ વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન રાત્રિના સમયે વાપી ગોલ્ડ કોઇન સર્કલ ખાતેથી GJ19-R-3462 નંબરની બાઇક ઉપર ત્રણ શંકાસ્પદ ઇસમો આવતા મોટર સાઇકલ રોકી ત્રણેય ઇસમોની પૂછપરછ કરી હતી. પૂછપરછ કરી અંગજડતી કરતા ત્રણેય ઇસમો અનમોલસિંગ કૈલાસસીંગ સીકલીગર, મનોજીંગ દિલીપ સિંગ સીકલીગર, લાખનસીંગ મગનસીંગ સીકલીગર પાસેથી ધારદાર ચપ્પુ,લીલા કલરના હાથાવાળુ ડીસમીસ, લોખંડની પરાઇ મળી આવી હતી.
મધ્યપ્રદેશના ખંડવા, વાપી, વડોદરાના રહેવાસી આ ત્રણેય આરોપીની પુછપરછ કરતા તેમની હાજરી બાબતે તેમજ તેમની પાસેના હથીયાર બાબતે કોઇ સંતોષકારક જવાબ આપતા ન હોય અને તેઓ કોઇ જગ્યાએ ચોરી અથવા લુંટ કરવાના ઇરાદે નીકળ્યા હોય બાઇક, ચપ્પુ તથા ડીસમીસ તથા પરાઇ મળી કુલ 30,200નો મુદ્દમાલ જપ્ત કરવા સાથે IPC. કલમ -401 મુજબનો ગુન્હો દાખલ કરાવી આગળની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ ત્રણેય આરોપીઓ પૈકી અનમોલસિંગ અગાઉ મહારાષ્ટ્ર રાજ્યમા ચોરીના ગુનામા પકડાયેલ હોવાનો તેમજ અન્ય ગુન્હામાં વોન્ટેડ હોવાની પ્રાથમિક વિગતો મળતા પોલીસે તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *