Friday, December 27News That Matters

મોટી સુલપડના શ્રી સાઈ નવયુવક મિત્ર મંડળ દ્વારા વાપી થી શિરડી પદયાત્રા, પાલિકા સભ્યએ 70 જેટલા પદયાત્રીઓને પાલખી સાથે કરાવ્યું પ્રસ્થાન

વાપી નગરપાલિકાના વોર્ડ નંબર 10માં સમાવેશ પામેલા મોટી સુલપડથી 70 જેટલા યુવાનો સોમવારે વાપીથી શિરડી સાઈધામ સુધીની પદયાત્રા પર નીકળ્યા હતાં. જેમને આ વિસ્તારના પાલિકા સભ્ય મંગેશ પટેલ સહિતના આગેવાનોએ પ્રસ્થાન કરાવ્યું હતું. મોટી સુલપડના શ્રી સાઈ નવયુવક મિત્ર મંડળ દ્વારા છેલ્લા 16 વર્ષથી પદયાત્રા યોજાય છે. આ વર્ષે આ 17મી પદયાત્રા હતી. જેમાં તમામ પદયાત્રીઓની યાત્રા વિના વિઘ્નએ પૂર્ણ થાય એવી શુભકામના પાઠવવા મહિલાઓ પણ વિશેષ ઉપસ્થિત રહી હતી.

આ પદયાત્રા અંગે પાલિકા સભ્ય મંગેશ પટેલે જણાવ્યું હતું કે, એક સમયે તેઓ પણ આ પદયાત્રામાં જોડાતા હતાં. આ 6 દિવસની પદયાત્રા સતત 16 વર્ષથી અવિરત ચાલી રહી છે. અને સાંઈબાબાના આશિર્વાદથી ક્યારેય કોઈ સંકટ આવ્યું નથી. આ 17મી પદયાત્રાની શુભેચ્છા આપી પ્રસ્થાન કરાવ્યું છે. સાઈબાબાએ દરેકની મનોકામના પૂર્ણ કરી છે. સુખસમૃદ્ધિ આપી છે.

શ્રી સાઈ નવયુવક મિત્ર મંડળના અન્ય સભ્યો અને મહિલાઓએ જણાવ્યું હતું કે, સાઈબાબાની કૃપાથી દર વર્ષે આ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. જેમાં 50 થી 70 જેટલા યુવાનો જોડાતા હોય છે. આ વર્ષે પણ 70 જેટલા યુવાનો આ પદયાત્રામાં જોડાયા છે. જેમની યાત્રાનો ખર્ચ પણ દાતાઓ તરફથી મળે છે.

મહિલાઓએ જણાવ્યું હતું કે, તેમના પરિવારના સભ્યો જ્યારે પણ પદયાત્રાએ નીકળે છે ત્યારે બાબાની પાલખીથી માંડીને તમામ જરૂરી સેવાઓ પુરી પાડે છે. અને તેમની આ યાત્રા સુખમય પૂર્ણ થાય એવી પ્રાર્થના સાથે દરેક યાત્રીઓને પદયાત્રા માટે પ્રસ્થાન કરાવે છે.

ઉલ્લેખનીય છે કે, મોટી સુલપડ વિસ્તારમાંથી આયોજિત આ શિરડી સાઈધામ સુધીની યાત્રાને પ્રસ્થાન કરાવતા પહેલા મોટી સુલપડ વિસ્તારમાં આવેલ સાઈ મંદીર સૌએ મળીને મહાઆરતી કરી હતી. જે બાદ DJ ના તાલે પાલખી યાત્રા નીકળી હતી. જેમાં તમામ પદયાત્રીઓ ઉપરાંત આ વિસ્તારની મહિલાઓ, બાળકો, યુવાનો પણ મોટી સંખ્યામાં જોડાયા હતાં.

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *