આજના આધુનિક યુગમાં અનેક પાણીજન્ય બીમારીઓ થઈ રહી છે. ત્યારે પણ આપણે સારી વ્યવસ્થા ઉભી કરવામાં ઉણા ઉતર્યા છીએ. જેનું ઉત્તમ ઉદાહરણ વાપી નજીકથી પસાર થતી દમણગંગા નદી છે. જે નદી કિનારેથી નદીના પાણીમાં છોડવામાં આવતા ગંદા પાણીની પાઇપલાઇન ફાટી ગઈ છે. અને ગંદુ પાણી નદીમાં જ ઠલવાઇ રહ્યું હોય રોગચાળાની ભીતિ સેવાઈ છે.
દમણગંગા નદી વાપી વાસીઓ માટે જ નહીં પરંતુ અહીં સ્થપાયેલા ઉદ્યોગો માટે જીવાદોરી સમાન છે. દમણગંગા નદીનું પાણી ઇન્ટેકવેલ મારફતે ફિલ્ટ્રેશન કરી નગરપાલિકા, નોટિફાઇડ અને GIDC વિસ્તારમાં પૂરું પાડવામાં આવે છે. આ જે પાણી વાપીના લોકો પીવા માટે ઉપયોગ કરે છે. તેમને ખ્યાલ જ નથી કે દમણગંગા નદીમાંથી મળતું પાણી જ ગટર મારફતે ફરી આ જ નદીમાં અને એ પણ જ્યાંથી પાણી અપાય છે. તેની નજીક જ ચોખ્ખા પાણીમાં ભળી રહ્યું છે.
શહેરના લોકોએ ઘરમાં કે ધંધાના સ્થળે વાપરેલું ગંદુ પાણી પાઇપલાઇન મારફતે અહીં છોડવામાં છે. પરંતુ તે પાઇપલાઇન આ નદીના કિનારેથી પસાર થતી હોય તે અનેક સ્થળે ફાટી ગઈ છે. અધૂરામાં પૂરું વળી આ ગટરનો લાભ GIDC ના ઉદ્યોગકારો પણ ઉઠાવે છે. તેઓ તેમનું ગંદુ પાણી CETP માં મોકલવાને બદલે આવી ખુલ્લી ગટરમાં ઠાલવી દે છે. એટલે વાપી શહેર અને GIDC માંથી ગટરમાં જતું ગંદુ પાણી શહેરના છેવાડા સુધી તો પાકી ગટર માં વહે છે. પરંતુ તે બાદ તે વોકળા સ્વરૂપે દમણગંગા ફિલ્ટ્રેશન-ઇન્ટેકવેલ નજીક પાઇપલાઇન મારફતે ફરી નદીમાં ઠલવાય છે.
આ ગંદા પાણીના અનેક ખાબોચિયા દમણગંગા નદી ઇન્ટેકવેલ નજીક ભરાયા છે. પાણી જમીનમાં પચતું હોય હાલની ઉનાળાની સિઝનમાં ચોખ્ખા પાણી સાથે દૂષિત પાણી રોગચાળો ફેલાવશે તો નવાઈ નહિ