Friday, January 31News That Matters

સુરત કમિશ્નરે વાપીના વિકાસના કામોની મુલાકાત લીધી, 14 MLDનો STP પ્લાન્ટ શરૂ દૈનિક 8 MLD પાણી ટ્રીટ થાય છે

વાપીમાં નગરપાલિકા દ્વારા અમૃત યોજના હેઠળ GUDC ના સહકારમાં 20.30 કરોડના ખર્ચે બનાવેલ 14MLD નો STP પ્લાન્ટ શરૂ કરી દીધો છે. જેમાં હાલ દૈનિક 8 MLD પાણી ટ્રીટ કરવામાં આવી રહ્યું છે. જ્યારે એ ઉપરાંત પીવાનું પાણી, સ્ટોર્મ વોટર ડ્રેઇન, લેક બ્યુટીફીકેશન જેવા વિકાસના કામોની પ્રપોઝલ મૂકી હોય સુરત કમિશ્નરે RCM ટીમ સાથે વાપીના વિકાસના કામોની મુલાકાત લઈ પાલિકાના સત્તાધીશો સાથે સમીક્ષા કરી હતી.
વાપી નગરપાલિકાના વિવિધ વિકાસના કામોને જોવા અને નવી પ્રપોઝલની ઝીણવટભરી વિગતો મેળવવા સુરત કમિશ્નર અરવિંદ વિજયન RCMની ટીમ સાથે વાપીની મુલાકાતે આવ્યાં હતાં. RCM ટીમે અહીં વાપી નગરપાલિકાના પ્રમુખ કાશ્મીરા શાહ, ચીફ ઓફિસર શૈલેષ પટેલ તેમજ પાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ સાથે પાંચ જેટલા સ્થળોની મુલાકાત લઈ વિકાસના કામોની સમીક્ષા કરી હતી.
આ મુલાકાત અંગે કમિશનર અરવિંદ વિજયને જણાવ્યું હતું કે, વાપી નગરપાલિકાના વિકાસના કામોને નિહાળવા ટીમ સાથે આવ્યા છે. જેમાં પાલિકાના અધિકારીઓ-પદાધિકારીઓ સાથે બેઠક કરી તેમના વિવિધ પ્રશ્નો સાંભળ્યા હતા. તેમજ આગામી દિવસોમાં પીવાનું પાણી, સ્ટોર્મ વોટર ડ્રેઇન, લેક બ્યુટીફીકેશન જેવી પ્રપોઝલ રજૂ કરી હોય તે અંગે બેઠકમાં સમીક્ષા કરવામાં આવી છે.
તો, ચીફ ઓફિસર શૈલેષ પટેલે જણાવ્યું હતું કે, વાપી નગરપાલિકા દ્વારા હાલમાં જ 20.30 કરોડના ખર્ચે 14 MLD નો STP પ્લાન્ટ તૈયાર કરી દૈનિક 8 MLD ગંદા પાણીને ટ્રીટ કરવાની કામગીરી શરૂ કરી છે. આગામી દિવસોમાં ઇસ્ટ માં પણ એક STP પ્લાન્ટ બનાવવામાં આવશે. તેમજ અન્ય વિકાસના કામો હોય તેની પ્રપોઝલ મૂકી છે. જે અનુસંધાને RCM ની ટીમ મુલાકાતે આવી હતી.
વાપીમાં વિકાસના કામની મુલાકાત માટે આવેલી RCM ની ટીમે વાપીમાં બોરી તળાવ, ઘાંચીયું મેદાન, ડંપીંગ સાઇટ પર રાશિ આધારિત નક્ષત્ર વન અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા કાર્યરત ફિશ વેસ્ટ એન્ડ લેગસી વેસ્ટ પ્લાન્ટની મુલાકાત લઈ વિવિધ પ્રકલ્પો નિહાળ્યા હતા. તેમજ પ્રગતિમાં રહેલા વિકાસના કર્યો અંગે જરૂરી સૂચનો સાથે વહેલી તકે પૂર્ણ કરવા તાકીદ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *