વલસાડ જિલ્લામાં સામાજિક સેવાની સુવાસ ફેલાવવામાં હંમેશા અગ્રેસર રહેતા વાપી સિંધી એસોસિએશન દ્વારા વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કાલઈ ગામે આવેલ આશ્રમ શાળાના વિદ્યાર્થીઓને બ્લેન્કેટ, ફૂડ પેકેટ્સ આપી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
વલસાડ જિલ્લા સહિત દાદરા નગર હવેલી અને દમણમાં કાર્યરત સિંધી એસોસિએશન વિવિધ સમાજ ઉપયોગી કાર્ય કરે છે. ત્યારે આ અનુસંધાને વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કાલઈ ગામે આવેલ હળપતિ સેવા સંઘ બારડોલી સંચાલિત આશ્રમશાળા કાલઇમાં અભ્યાસ કરતા બાળકોને શિયાળાની ઠંડીમાં રક્ષણ આપવા બ્લેન્કેટ (ધાબળા)નું વિતરણ કર્યું હતું. તેમજ આશ્રમશાળામાં અભ્યાસ કરતા બાળકોને કેળા, બિસ્કિટ જેવો પૌષ્ટિક નાસ્તો કરાવ્યો હતો. આ પ્રસંગે દરેક વિદ્યાર્થીઓના ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા હતાં.
આ અંગે વાપી સિંધી એસોસિએશનના ચેરમેન મોહન રાયસિંઘાની દ્વારા અપાયેલ માહિતી મુજબ વાપી સિંધી એસોસિએશનના પ્રેસિડેન્ટ્સ રાની લછવાની અને એસોસિએશનના સભ્યો દ્વારા જરૂરિયાતમંદ બાળકોને ધાબળા આપવા અને પૌષ્ટિક નાસ્તો કરાવવાનો નિર્ણય લેવાયો હતો.
જે બાદ આશ્રમશાળા કાલઇમાં અભ્યાસ કરતા 140 જેટલા વિદ્યાર્થીઓને પૌષ્ટિક નાસ્તો કરાવ્યો હતો. અને જરૂરિયાતમંદ 25 વિદ્યાર્થીઓને બ્લેન્કેટ વિતરણ કર્યા હતાં. આગામી દિવસોમાં પણ જરૂરિયાતમંદ બાળકોને એસોસિએશન દ્વારા જરૂરી મદદ પુરી પાડવામાં આવશે. તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સેવા બદલ આશ્રમશાળાના સંચાલકો, શિક્ષકોએ પણ સંસ્થાનો આભાર પ્રગટ કર્યો હતો.