રવિવારે વાપીમાં ઉપાસના સ્કૂલ ખાતે વાપી સિંધી એસોસિએશન અને Rock and Bowl ના સંયુક્ત પ્રયાસથી તબીબોની ઉત્તમ સેવા બદલ તેઓને સન્માનિત કરવા સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં વાપી અને તેની આસપાસના વિસ્તારમાં દર્દીઓને મૃત્યુના મુખમાંથી બચાવી નવજીવન બક્ષનાર 26 જેટલા તબીબોને સ્મૃતિચિહ્ન આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
તબીબોને સન્માનિત કરવાના આ સન્માન સમારોહ અંગે વાપી સિંધી એસોસિએશનના પ્રેસિડેન્ટ્સ રાની લછવાની, ચેરમેન મોહન રાયસિંઘાની, પ્રોજેકટ ચેરમેન ડૉ. ચિરાગ ટેકચંદાની, ટ્રસ્ટી રમેશ કુન્દનાનીએ જણાવ્યું હતું કે, હાલમાં જ સિંધુ સમાજના સિનિયર ન્યુરો સર્જન ડૉ. વાસુદેવ ચાંદવાનીએ એક ચમત્કારિક સર્જરી કરી એક બાળકને જીવનદાન આપ્યું છે. તેમની આ નિઃસ્વાર્થ સેવાએ સમાજને ગૌરવ અપાવ્યું છે. જેથી સિંધી સમાજ દ્વારા તેમને સન્માનિત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સન્માન સમારોહમાં માત્ર સિંધી સમાજના તબીબોને જ નહીં પરંતુ વાપી, દમણ, સેલવાસમાં દર્દીઓને નવજીનવન આપનાર અન્ય સમાજના તબીબોનું પણ સન્માન કરવાનો નિર્ણય લીધો હતો. કેમ કે, સફેદ કોટ્સ માં સજ્જ તબીબો દરેક દર્દી માટે ભગવાન તુલ્ય હોય છે. એટલે આ સમાજના હીરોને સન્માનવા “Our Superheroes in White Coats” થીમ પર વાપીના 26 જેટલા પ્રતિષ્ઠિત તબીબોને આ સન્માન સમારોહનું આમંત્રણ આપી સન્માનિત કર્યા હતાં. તમામને સંસ્થાના હોદ્દેદારો સમાજના અગ્રણીઓના હસ્તે સ્મૃતિચિહ્ન આપી તેમની સેવાને બિરદાવી હતી.
વાપી સિંધી સમાજે ડૉ. વાસુદેવ ચાંદવાની ઉપરાંત હરિયા હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ. એસ. એસ. સિંઘ, હરિયા હોસ્પિટલના અન્ય તબીબો, અગ્રવાલ આય હોસ્પિટલ, 21st સેન્ચ્યુરી હોસ્પિટલ, જીવનદીપ હોસ્પિટલના તબીબો, વાપીમાં તબીબીક્ષેત્રે ઉત્તમ પ્રેક્ટિસ કરતા અન્ય નિષ્ણાંત તબીબો મળી કુલ 26 જેટલા તબીબોના અસાધારણ યોગદાનને બિરદાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, આ સન્માન સમારોહ દરમ્યાન સિંધી સમાજના ભાઈઓ, બહેનો અને બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતાં. આ પ્રસંગે સિંધી સમાજની ઉત્પત્તિ, રહેણીકરણી, રોજગાર અને સમાજને પ્રદાન કરેલા અમૂલ્ય યોગદાનની ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ પ્રદર્શિત કરી હતી. જેને ઉપસ્થિત સમાજના તમામે નિહાળી હતી. વાપી સિંધી એસોસિએશન હંમેશા સમાજ ઉપયોગી કાર્ય કરે છે. આગામી દિવસોમાં દરેક સમાજના જરૂરિયાતમંદ માટે શિવણ કલાસ, ટ્યુશન કલાસ, યોગા ક્લાસનું પણ આયોજન કરવાના છે. આ સન્માન સમારોહમાં ફાઉન્ડર ટ્રસ્ટી નાનીક મદનાની, જૈશ ટેકચંદાની સહિત સમાજના દરેક વર્ગના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.