વાપી GIDC પોલીસે ગુજરાતમાં દારૂ ઘુસાડવાની નવી ટ્રીક ને ખુલ્લી પાડી 2 શખ્સોની ધરપકડ કરી છે. પકડાયેલ બંને આરોપીને સેલવાસના ટ્રાન્સપોર્ટ સંચાલકે પૂંઠા ના ડ્રમમાં 1.44 લાખનો દારૂ ભરી તે દારૂ બરોડા મોકલવા ટેમ્પોમાં રવાના કર્યા હતાં. જેને વાપી GIDC પોલીસે ઝડપી પાડી કુલ 3,47,750ના મુદ્દામાલ સાથે ટ્રાન્સપોર્ટમાં દારૂ મોકલવાના કિમીયાનો પર્દાફાશ કર્યો છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાંથી ગુજરાતમાં દારૂની ગેરકાયદેસર હેરાફેરી માટે બુટલેગરો અવનવા કિમીયા અજમાવતા હોય છે. જેમાં હાલ ગૂડ્સ ટ્રાન્સપોર્ટ અને કુરિયર સેવાનો ઉપયોગ પણ દારૂની હેરાફેરી માટે થઈ રહ્યો હોવાનો પર્દાફાશ વાપી GIDC પોલીસે કર્યો છે. આ અંગે મળતી વિગત મુજબ સેલવાસના આમલી ખાતે આવેલ શ્રી નાથ એન્ટરપ્રાઈઝ નામની ટ્રાન્સપોર્ટ ઓફિસમાંથી બરોડાની શ્રીજી ટ્રેડર્સ નામની પેઢીમાં લઈ જવાતો 1,44,750ના દારૂ સાથે 2 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.
વાપી GIDC પોલીસની ટીમને બાતમી મળી હતી કે, સેલવાસથી એક DN09-V-9106 નંબરના છોટા હાથી ટેમ્પામાં 2 શખ્સો દારૂ લઈને નીકળ્યા છે જે વાપીમાં કુરિયરની ઓફિસમાં આપવાના છે. બાતમી આધારે GIDC પોલીસે વાપીના મોરારજી સર્કલ નજીક અર્પિતા ઇન્ડસ્ટ્રીઝ ના કમ્પાઉન્ડ સામે વોચ ગોઠવી હતી. જે દરમ્યાન 2 શખ્સો ટેમ્પો લઈને આવ્યા હતાં. ટેમ્પોને અટકાવી પોલીસે ચેક કરતા તેમાં પૂંઠા નું ડ્રમ હતું જેમાં 810 વ્હિસ્કી અને વોડકાની બોટલો ભરી હતી. જ્યારે આ અંગે બન્ને શખ્સો પાસેથી બિલ માંગતા ડુપ્લીકેટ ઇનવોઇસ આધારે આ દારૂ વાપીના પુરોહિત કુરિયર ખાતે ઉતારી વડોદરામાં આવેલ શ્રીજી ટ્રેડર્સમાં મોકલવાનો હોવાની વિગતો મળી હતી.
પોલીસે સેલવાસથી છોટા હાથી ટેમ્પોમાં દારૂ ભરીને આવેલ સેલવાસના યોગેશ વિજયસિંહ રાણા અને અશોક ચૈતરામ પાટીલની ધરપકડ કરી ખોટા બિલ આધારે દારૂ મોકલનાર સેલવાસના શ્રી નાથ એન્ટરપ્રાઈઝ ના માલિક તેમજ દારૂ મંગાવનાર શ્રીજી ટ્રેડર્સના માલિકને વોન્ટેડ જાહેર કરી 2 લાખનો ટેમ્પો, 1,44,750નો દારૂ મળી કુલ 3,47,750 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ બંને ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે દમણ અને સેલવામાંથી આ પ્રકારે વાપીના અનેક ટ્રાન્સપોર્ટ અને કુરિયર સર્વિસ મારફતે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની જૂની બુમરાણ છે ત્યારે વલસાડ જિલ્લા પોલીસ આ મામલે વધુ સતર્ક બની તપાસ હાથ ધરે તો અનેક કુરિયરવાળા અને ટ્રાન્સપોર્ટવાળાઓની બુટલેગરો સાથેની મિલીભગત ખુલ્લી પડે તેમ છે.