Sunday, December 22News That Matters

વાપીમાં રોટરી થનગનાટ 2022 નવરાત્રી મહોત્સવનું સમાપન, નાણાપ્રધાન ના હસ્તે ખેલૈયાઓને અપાયા પુરસ્કાર

2 વર્ષના અંતરાલ બાદ વાપીમાં રોટરી ક્લબ ઓફ વાપી દ્વારા આયોજિત રોટરી થનગનાટ 2022 નવરાત્રી મહોત્સવનું દશેરાના પાવન દિવસે સમાપન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ, જિલ્લા પોલીસવડા અને અગ્રણી સ્પોન્સર્સ દ્વારા ખેલૈયાઓને વિવિધ કેટેગરીના પુરસ્કાર એનાયત કરી સન્માન કરી શુભેચ્છા પાઠવી હતી.
વાપીમાં રોફેલ કોલેજ ગ્રાઉન્ડ ખાતે સતત 9 દિવસ સુધી ગરબાની રમઝટ બોલાવનાર ખેલૈયાઓની ઉપસ્થિતિમાં પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન સેરેમની સાથે નવરાત્રી મહોત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબ ઓફ વાપી દ્વારા આયોજિત આ રોટરી થનગનાટ 2022 નવરાત્રી મહોત્સવમાં પ્રથમ દિવસે નવરાત્રીનો શુભારંભ કરનારા નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ અંતિમ દિવસે પણ ખાસ ઉપસ્થિત રહી ખેલૈયાઓને પુરસ્કાર એનાયત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.
રોટરી ક્લબ ઓફ વાપી દ્વારા આયોજિત આ નવરાત્રી મહોત્સવમાંથી બચેલ રકમ લિટલ હાર્ટ સર્જરી, ડાયાલીસીસ, ગરીબ દર્દીઓની વિવિધ સારવારમાં વાપરવાનું આયોજન ક્લબ ના સભ્યો તરફથી કરવામાં આવ્યું હોય નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ તમામને સેવાકીય પ્રવૃતિ બદલ શુભેચ્છા પાઠવી હતી. તેમજ વહીવટી તંત્રનો આભાર માનતા જણાવ્યું હતું કે, રોટરી ક્લબ ઓફ વાપીની નવરાત્રી સમગ્ર વિસ્તારમાં ઉર્જાનું સર્જન કરે છે. આ નવ દિવસ માતાજીની આરાધના કરવા લોકોને પ્રેરિત કરે છે.
કનુભાઈએ દેસાઈએ હાલ 2 વર્ષના કોરોના કાળ બાદ દેશનું અર્થતંત્ર પણ સુધર્યું હોવાનું અને દેશનો ગ્રોથ રેટ વધ્યો હોય દશેરા પર્વની જેમ દિવાળી પર્વ પણ દરેક દેશવાસીઓ માટે સારું જશે તેવી આશા સાથે તમામને શુભકામના પાઠવી હતી.
રોટરી થનગનાટ 2022ના આયોજન અંગે રોટરી ક્લબ ઓફ વાપીના પ્રમુખ હેમાંગ નાયક અને ભરત ભાઈએ જણાવ્યું હતું કે, બે વર્ષના લાંબા અંતરાલ બાદ વાપીમાં રોટરી થનગનાટ 2022 નવરાત્રી મહોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેલૈયાઓ પણ બમણા ઉત્સાહથી ગરબે રમ્યા હતા. આ આયોજનમાં ખેલૈયાઓએ ભારતીય સંસ્કૃતિના દર્શન સાથે સુરક્ષિતતાનો અહેસાસ કર્યો હતો. કલબ દ્વારા આયોજિત આ નવરાત્રી પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય આરોગ્ય સેવામાં મદદરૂપ થવાનો છે. ટીકીટ દ્વારા જે રકમ મળી છે. તે લીટલ હાર્ટ સર્જરી નામના અભિયાનમાં, ફ્રી ડાયાલિસિસ માટે અને ક્લબ દ્વારા સંચાલિત નિરામયા ટ્રસ્ટમાં ગરીબ દર્દીઓને દવા સહિતની આર્થિક સહાયમાં વાપરવામાં આવશે.
રોટરી ક્લબ વાપીના પ્રમુખે વધુમાં જણાવ્યું હતું કે સામાન્ય રીતે પાર્ટી પ્લોટ માં થતા ગરબા મહોત્સવમાં મોટી રકમના price distribution રાખવામાં આવતા હોય છે. પરંતુ અહીં એવા કોઈ પ્રલોભનો ખેલૈયાઓને આપવામાં આવતા નથી. જે પુરસ્કાર આપવામાં આવ્યા છે તે સામાન્ય રકમના અને ટોકન રૂપે આપવામાં આવ્યા છે. જેમાં ખેલૈયાઓ પણ સંપૂર્ણ સહકાર આપે છે.
ઉલ્લેખનીય છે કે નવરાત્રી મહોત્સવના આયોજન દરમ્યાન ઊભી થયેલી રકમ એક એક વર્ષની બાળકીની હાર્ટની સર્જરીમાં વપરાશે. ગત શનિવારે જ નેપાળના એક ગરીબ પરિવારની એક વર્ષની દીકરીની હાર્ટ સર્જરી કરવામાં આવી છે. જેનો હવે પછીનો જે પણ ખર્ચ થશે તે તમામ સારવારનો ખર્ચ આ ફંડમાંથી પૂરો પાડવામાં આવશે. નવરાત્રી મહોત્સવ 2022 સમાપનમાં ક્લબ દ્વારા સુરક્ષાને લઈને સંપૂર્ણ સહકાર આપનાર જિલ્લા પોલીસવડા, પોલીસ ઇન્સ્પેકટર, પોલીસ કર્મચારીઓ, વહીવટીતંત્ર, ક્લબના સભ્યો, દાતાઓનો આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *