વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં થયેલા ભારે વરસાદને પૂરની પરિસ્થિતી સર્જાવાની ભીતીને ધ્યાનમાં રાખી કલેક્ટરે તુરંત એક્શન મોડમાં આવી નગરપાલિકાની 6 ટીમ અને NDRFની 1 ટીમ નીચાણવાળા વિસ્તારોમાં બચાવ કામગીરી માટે મોકલી હતી,
વહીવટીતંત્ર અને જિલ્લાના વિભાગોને સુચારૂ કામગીરી કરવા સુચના આપી હતી. ઔરંગા નદીમાં આવેલા પૂરને કારણે વલસાડ શહેરના નદી કિનારે આવેલા બરૂડિયાવાડ, કાશ્મીર નગર, લીલાપોર, તરિયાવાડ, મોગરાવાડી છતરિયા જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સાવચેતીના પગલારૂપે વહીવટીતંત્ર દ્વારા NDRFની સહાયથી આશરે 350 જેટલા લોકોને સલામત સ્થળે સ્થાળાંતરિત કરાયા હતા.
વલસાડ પારડી પ્રાથમિક શાળા ખાતે સ્થાળાંતરિત કરેલા લોકોને આરોગ્ય સેવા તેમજ ફૂડ પેકેટની વ્યવસ્થા પણ તંત્ર દ્વારા કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે અને જિલ્લા વિકાસ અધિકારી મનીષ ગુરવાનીએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થાળાંતરિત કરાયેલ લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી સુચનો કર્યા હતા. કલેક્ટરે જણાવ્યું હતું કે, ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે પૂરની પરિસ્થિતી સર્જાઈ હતી અને દરિયામાં ભરતીને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા જેને કારણે અસરગ્રસ્ત વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડાયા છે.