Friday, October 18News That Matters

વાપીમાં યુવકના અર્ધ સળગેલા મૃતદેહના અવશેષો મળ્યા, પુણે પોલીસે આરોપી સાથે આવી અવશેષો એકત્ર કર્યા

વાપીમાં 25મી માર્ચે પુણે પોલીસે વાપી GIDC પોલીસની મદદથી અપહરણ બાદ હત્યાના કેસની ગૂંથથી સુલઝાવી છે. પૂણેમાં આવેલ મહાલુંગે ઇંગલે વિસ્તારમાં થી કેટલાક ઈસમોએ એક યુવકનું અપહરણ કર્યું હતું. જે યુવકની ત્યાર બાદ હત્યા કરી તેના મૃતદેહને વાપી લાવી વાપીના UPL બ્રિજ નજીકના વિસ્તારમાં સળગાવી દેવાયો હતો. જો કે, આ ઘટના અંગે તપાસ કરતી પુણે પોલીસને આ વિગતો આરોપીને પકડ્યા બાદ જાણવા મળી હતી. જેથી પુણે પોલીસ આરોપી સાથે વાપી આવી હતી. અને UPL બ્રિજ નજીકથી અર્ધ બળેલી હાલતમાં મૃતદેહ મળતા તેના અવશેષો એકઠા કરી સાથે લઈ ગઈ છે. 
મળતી વિગતો મુજબ મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ચાકણ ઔદ્યોગિક વસાહત મહાલુંગે MIDC પોલીસ સ્ટેશનમાં એક યુવકનું કેટલાક લોકો અપહરણ કરી ગયા હોવાની ફરિયાદ નોંધાઇ હતી. મહાલુંગે ઈંગલે ગામના યુવકનું અપહરણ કર્યાની ચોંકાવનારી ઘટના બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં આરોપીની અટક કરી પૂછપરછ કરતા તેઓએ યુવકનું અપહરણ કર્યા બાદ તેની હત્યા કરી હોવાનું કબુલ્યું હતું. તેમજ હત્યા બાદ યુવકના મૃતદેહને ગુજરાત ના વલસાડ જિલ્લાના ભિલાડ થી વાપી વચ્ચે નેશનલ હાઇવે નજીક એક અવાવરું વિસ્તારમાં ફેંકી ત્યાં તેને સળગાવી દીધો હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો.

જેથી મહાલુંગે પોલીસ મથકના PSI સહિતની એક ટીમ હત્યારા આરોપી સાથે વાપી આવી હતી. વાપીમાં આરોપીએ બતાવેલ સ્થળે જઇ તપાસ કરતા અર્ધ બળેલો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી વાપી GIDC પોલીસની મદદથી FSL ની ટીમ ને બોલાવી મૃતદેહ અંગે જરૂરી તપાસ કરી તેના સેમ્પલ લીધા હતાં. તેમજ બળેલા મૃતદેહના અવશેષો એકત્ર કરવામાં આવ્યા હતાં. જે અવશેષો સાથે પુના પોલીસ પરત રવાના થઈ છે.

ઉલ્લેખનીય છે કે, જે વ્યક્તિનો અર્ધ સળગેલો મૃતદેહ મળી આવ્યો છે. તે મહાલુંગે ઇંગલે ગામથી અપહરણ કરાયેલ આદિત્ય ભાંગરે નો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જ્યારે અપહરણ બાદ હત્યા કરી મૃતદેહને સળગાવી દીધો હોવાની કેફિયત આપનાર આરોપીનું નામ અમર શિંદે હોવાનું જાણવા મળ્યું હતું. હાલ આ ઘટનાની જાણકારી વાપીવાસીઓ મળતા લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *