Sunday, December 22News That Matters

વલસાડ જિલ્લાના પારડી ખાતે ભાજપનો સક્રિય કાર્યકર્તાઓને લાઇવ સંબોધન અને કાર્ડ વિતરણ કાર્યક્રમ, ભગવા ટોપીમાં સજ્જ જોવા મળ્યા કાર્યકર્તાઓ!

વલસાડ જીલ્લા ભારતીય જનતા પાર્ટી ગુજરાત સરકારના મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને તેમજ વલસાડ જીલ્લા ભાજપ પ્રભારી શિતલબેન સોનીની ઉપસ્થિતિમાં તથા જીલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારાના માર્ગદર્શન હેઠળ પારડીના ધીરૂભાઇ નાયક સત્સંગ હોલ ખાતે વલસાડ જીલ્લાના કાર્યકર્તાઓને લાઇવ સંબોધન અને કાર્ડ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ કાર્યકરોને ભગવા રંગની ટોપીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. 
ભગવા ટોપીમાં હોલ કેસરિયા રંગમાં જોવા મળ્યો હતો. જો કે હોલમાં મહાનુભાવોના સંબોધન વખતે હોંશે હોંશે ટોપી પહેરી બેસેલા કાર્યકરોમાં કેટલાકે ગણતરીની હાજરી આપી બહાર નીકળી ટોપી ખિસ્સામાં મૂકી ચાલતી પકડી હતી. કેટલાકે શરમના માર્યા પણ કાર્યક્રમ સ્થળની બહાર નીકળતા જ ટોપી ખિસ્સામાં મૂકી દીધી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત વક્તાઓએ ભાજપની ઐતિહાસિક સાફલ્યા ગાથા વર્ણવી નરેન્દ્ર મોદી, અમિતશાહ ના ભરપેટ વખાણ કરી કેજરીવાલની આમ આદમી પાર્ટી પર ચાબખા માર્યા હતા. અને આવનારા દિવસોમાં વિધાનસભા ચૂંટણી નજીક હોય ભાજપના ઉમેદવારોને ભવ્ય જીત અપાવવા હાકલ કરી હતી. કાર્યક્રમમાં ઉષાબેન પટેલ, માધુ કથીરીયા, ભરત પટેલ ધારાસભ્ય – વલસાડ, અરવિંદ પટેલ ધારાસભ્ય – ધરમપુર, વાપી નગરપાલિકા પ્રમુખ કાશ્મીરા શાહ, શીલ્પેશભાઈ દેસાઈ મહામંત્રી, કમલેશ પટેલ સહિત દરેક મંડળના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા મહિને અમદાવાદમાં રોડ શો દરમિયાન ભાગવા કલરની ટોપી પહેરી હતી. આ ટોપી ભાજપના લોકસભા અને રાજ્યસભા સાંસદો ઉપરાંત તમામ મોટા નેતાઓને મોકલવામાં આવી છે. ભાજપના કાર્યકરોની ઓળખ આ ટોપી બને તેવો ઉદ્દેશ્ય ભાજપનો છે. વલસાડમાં પણ આ ટોપીઓ મોકલવામાં આવી હોય મંગળવારે યોજાયેલ કાર્યકરોને ટોપી વિતરિત કરવામાં આવી હતી.
એવું માનવામાં આવે છે કે ભાજપના સાંસદો જાહેરમાં આ ટોપી પહેરશે. આ ઉપરાંત ભાજપના મહેનતુ કાર્યકરો કેસરી ટોપી અને ખેસ પણ પહેરશે. મળતી માહિતી મુજબ ગુજરાત ભાજપે ખાસ આ ટોપી તૈયાર કરી છે. આ નવી ટોપીની ડિઝાઇનમાં બ્રહ્મકમલ ફૂલ છે જે ઉત્તરાખંડમાંથી લેવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીએ ગણતંત્ર દિવસની પરેડમાં પણ આ ટોપી પહેરી હતી. હકીકતમાં આ ભગવા ટોપી ભારતીય જનતા પાર્ટી અને તેની વિચારધારા સાથે જોડાયેલી છે. આઝાદી પહેલા RSSના કાર્યકરો આ પ્રકારની ભગવા રંગની ટોપીઓ પહેરતા હતા. જે હવે ભાજપના કાર્યકરોની ઓળખ બનવા જઈ રહી છે. ભાજપે કેસરી ટોપીમાં કમળનું ફૂલ લગાવીને આ ટોપીને પોતાની પાર્ટીની ઓળખ તરીકે સત્તાવાર રીતે જાહેર કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *