by Aurangatimes Team
વાપી :- વાપી GIDC 4 હજાર જેટલા ઔદ્યોગિક એકમોથી ધમધમતી દેશની સૌથી મોટી ઔદ્યોગિક વસાહતમાં આવે છે. આ એકમોમાં અવારનવાર અનેક નાનામોટા આગના બનાવો બને છે. જે માટે વાપી નોટિફાઇડ દ્વારા 2 ફાયર યુનિટ કાર્યરત છે. એ ઉપરાંત વાપી ઇમર્જન્સી કન્ટ્રોલ સેન્ટર પણ કાર્યરત છે. જો કે નવાઈની વાત એ છે કે નોટિફાઇડ ફાયર ઓફિસમાં જ લગાવેલા ફાયર સેફટી માટેના ફાયર એક્સટિંગ્વિશર છેલ્લા એક વર્ષથી રિફિલ નથી થયા! ત્યારે વિચારી શકાય કે જે ફાયર વિભાગ પોતાની ઓફિસમાં જ ફાયર પ્રત્યે બેદરકાર હોય તે વિભાગ GIDC ના એકમોમાં લાગતી આગ માં કેટલી દરકાર રાખતા હશે.
વાપી GIDC માં ચાર રસ્તા ખાતે અને સરદાર ચોક ખાતે એમ 2 ફાયર યુનિટ કાર્યરત છે. આ યુનિટમાં અંદાજિત 30થી વધુ ફાયર કામદારો કામ કરે છે. જે જીવના જોખમે કંપનીઓમાં લાગતી આગ ને બુઝાવવા જાય છે. જો કે આ ફાયર વિભાગમાં જ ફાયર સેફટી મામલે બેદરકારી દાખવવામાં આવતી હોવાની વિગતો સામે આવી છે.
વાપી ચાર રસ્તા ખાતે આવેલ ફાયર યુનિટ 1માં ફાયર માટેના ફાયર ટેન્ડર, ફાયર બ્રાઉઝર આજે પણ બાબા આદમના છે. સાથે જ ઓફિસમાં પણ ફાયર બાબતે તદ્દન બેદરકારી સેવાઈ રહી છે. ઓફિસમાં ફાયર સેફટી માટે 4થી વધુ ફાયર એક્સટિંગ્વિશર લગાડવામાં આવ્યાં છે. જેની રિફીલિંગ ડેટ 2019 હતી. અને એક્સપાયરી ડેટ નવેમ્બર 2020 હતી. જે બાદ હાલ જૂન 2021 પૂરો થવા આવ્યો હોવા છતાં તેને ફરી રિફીલિંગ કરવામાં આવ્યા નથી.
ઉલ્લેખનીય છે કે વાપીના એકમોમાં લાગતી આગ વખતે જરૂર કરતાં વધારે ફોમ અને પાણીનો બગાડ કરવામાં માહેર તેમજ બીલમાં અનેકવાર ઘપલા કરતા ફાયર ઓફિસર પોતાની ઓફિસમાં જ ફાયર સેફટી પ્રત્યે બેદરકાર છે જે જોતા કહી શકાય કે GIDC ના એકમોમાં લાગતી આગ માં કેટલી દરકાર રાખતા હશે. જો કે વાપી GIDC માં લાગતી આગની ઘટના વખતે પણ મીડિયાને નોટિફાઇડ ફાયર તરફથી ક્યારેય સચોટ વિગતો મળતી નથી. વર્ષમાં કેટલી વખત આગના બનાવો બન્યા કેટલો ફોમ અને અન્ય કેમિકલનો ઉપયોગ થયો તેવી બાબતો હંમેશા છુપાવવામાં આવી રહી છે. ત્યારે આશા રાખીએ કે નવા આવેલા નોટિફાઇડના અધિકારી આ અંગે કડક વલણ દાખવે અને ફાયર સેફટી બાબતે યોગ્ય કાર્યવાહી કરે.