વાપીમાં પસાર થતા નેશનલ હાઇવે નંબર 48 પર UPL બ્રિજના ચાર રસ્તાના સર્વિસ રોડ પર ચોમાસાની શરૂઆતથી જ પાણીનું એક તળાવ રચાઈ ગયું છે. આ પાણી હવે વરસાદ નથી તો પણ ભરાયેલું જ છે અને એક ગંદા તળાવમાં ફેરવાઈ ગયું છે.મળતી વિગતો મુજબ પાણીના નિકાલ માટે સર્વિસ રોડ પરની ગટરના ઢાંકણા પણ જે તે એજન્સી દ્વારા ખોલીને નિકાલ માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પણ કદાચ એ માત્ર દેખાડો હોવાનું પ્રતીત થઈ રહ્યું છે.નવાઈની વાત એ છે કે આ પાણીના કારણે વાહનચાલકોને ત્યાંથી પસાર થવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સર્વિસ રોડ વાહનોથી ધમધમતો રોડ છે. કેમ કે, આ રોડ GIDC ના મુખ્ય રોડને જોડે છે.ઉદ્યોગકારો, નેતાઓ, અધિકારીઓની કારના કાફલા પણ આ જ ગંદા પાણીમાંથી પસાર થાય છે. તેમ છતાં આ પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા કરવામાં આવતી નથી.એક તરફ વિકાસની વાત કરતાં નેતાઓ અને આ આંધળા વિકાસની ગાથાના ગુણગાન માટે ડિબેટ કરતા ઉદ્યોગકારો, અધિકારીઓ કેમ આ મામલે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓના કાન આમળતા નથી. શું. હાઇવેના સર્વિસ રોડ પરના ખાડા અને આવા તળાવો તેમને મન વિકાસ છે? એ પ્રશ્ન અહીંથી પસાર થતા સામાન્ય વાહનચાલકોમાં ઉઠી રહ્યા છે.