વાપી નજીકથી પસાર થતી દમણ ગંગા નદીમાંથી જે રીતે વાપીને અને વાપી જીઆઇડીસીને પાણી પૂરું પાડવામાં આવે છે. તે જ રીતે સામેના છેડે ઊભા કરેલા પમ્પીંગ સ્ટેશનથી પાઇપ લાઇન મારફતે સરીગામ અને ઉમરગામ વિસ્તારને પાણી પૂરું પાડવામાં આવે છે. જો કે, 600 ડાયાની આ પાઇપલાઇન 20 વર્ષ જૂની હોય હાલમાં કરમબેલા નજીક નેશનલ હાઇવે નંબર 48 પાસે તેમાં ભંગાણ સર્જાયું છે. જેના કારણે અહીં એક આખું તળાવ રચાઈ ગયું છે. જેમાંથી ગ્રામજનોએ પસાર થવું પડે છે. સાથે રોગચાળાની ભીતિ સેવાઇ છે.
કરમબેલા પટેલ ફળિયાના લોકો માટે છેલ્લા બે મહિનાથી પાણીની પાઇપલાઇન મુસીબત બની છે. જેની મરામત માટે ગામલોકોએ એકત્ર થઈ વાપીમાં પાણી પુરવઠા કચેરીએ રજુઆત કરી હતી. જે અંગે રજુઆત કરનાર કરમબેલા ગામના ઉજ્જવલ પટેલે જણાવ્યું હતું. કે, અનેક વાર પાણી પુરવઠા વિભાગને રજૂઆત કરી છે. પરંતુ તેનો હજુ સુધી તેનો કોઈ યોગ્ય નિકાલ આવ્યો નથી.
પાઇપલાઇનનું લીકેજ બંધ કરવામાં નહિ આવતા લોકોએ ઘૂંટણ સુધીના પાણીમાંથી પસાર થવું પડે છે. રજુઆત બાદ હાથ ધરેલ કામમાં એક મોટો ખાડો ખોદીને છોડી દેવાયો છે. જેમાં ગામલોકો કે બાળકો પડી જવાનો ડર છે. મચ્છરોનો ત્રાસ વધ્યો હોય રોગચાળાની ભીતિ છે. લિકેજના આ પાણીથી તળાવ બની ગયું છે. અને હવે આ પાણી તેમના ઘરના બારણા સુધી પહોંચી ગયું છે. ડેપ્યુટી એન્જીનિયરે એક સપ્તાહમાં નિરાકારણની ખાતરી આપી છે.
આ અંગે પાણી પુરવઠા વિભાગના ડેપ્યુટી એન્જીનીયર દિના સોલંકીએ જણાવ્યું હતું કે, સરીગામ અને ઉમરગામ વિસ્તારમાં પાણી પૂરું પાડવા માટે આ પાઇપલાઇન નાખવામાં આવી છે. જેમાંથી દૈનિક 12 થી 15 MLD પાણી દમણગંગા નદી પરના પમ્પીંગ સ્ટેશનથી મોકલવામાં આવે છે. આ 20 વર્ષ જૂની પાઇપલાઇનમાં કરમબેલા નજીક નેશનલ હાઇવેની વચ્ચે ભંગાણ સર્જાયું છે. જેના રીપેરીંગની કામગીરી હાથ ધરી હતી. પરંતુ વરસાદને કારણે તે બંધ રહી હતી.
જે દરમ્યાન સરીગામ વિસ્તારમાં પાણીની તંગી ઉભી થતા લોકોની માંગને ધ્યાને રાખી ફરી પાણી છોડવું પડ્યું છે. પરંતુ આગામી સાત દિવસમાં આ પાઇપલાઇનનું ભંગાણ રીપેરીંગ કરી લેવામાં આવશે. જે માટેની તમામ મંજૂરી અને જરૂરી કાર્યવાહી આટોપી લેવાઈ છે.
ઉલ્લેખનીય છે કે, દમણગંગા નદી પર બનેલ પમ્પીંગ સ્ટેશનથી સરીગામ જતી પાણીની આ પાઇપ લાઈનનું ભંગાણ સ્થાનિક કરમબેલાના લોકો માટે મુસીબત બન્યું છે. તો, પાણી પુરવઠા વિભાગ માટે પણ એકધારું 7 દિવસ પાણી પુરવઠો બંધ રાખવો એ સમસ્યા છે. જો કે હાલમાં આ અંગે હજુ પણ જો કોઈ યોગ્ય નિર્ણય નહિ લેવાય તો, આ ભંગાણ ને કારણે ગામલોકોની મુસીબતમાં વધારો થશે અને બીજી તરફ પૂરતું પાણી નહિ મળવાથી સરીગામ, ઉમરગામમાં પાણીની તંગી સર્જાશે. વ્યય થયેલ પાણી સાથે વીજળીનું બીલ પણ ફાજલનું વધુ ભરવું પડે છે. ત્યારે આ ભંગાણ વહેલી તકે રીપેરીંગ થાય એ જ સૌના હિત છે.