દેશનું એક અનોખું વિકાસ મોડેલ તૈયાર કરવા સ્વદેશી જાગરણ મંચ દ્વારા દેશભરના દરેક જિલ્લા-તાલુકા લેવલે વિશેષ સેમિનારનું તેમજ ટીમ ઇલેવનનું ગઠન કરવાના પ્રયાસ હાથ ધરાયા છે. જે અંતર્ગત વાપીમાં VIA કોન્ફરન્સ હોલમાં એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
વાપીમાં સ્વદેશી જાગરણ મંચ વલસાડ જિલ્લા દ્વારા આયોજિત આ સેમિનારમાં સ્વદેશી થિંક-ટેન્ક, અખિલ ભારતીય સહ-કોશ પ્રમુખ – સ્વદેશી જાગરણ મંચના દીપક શર્મા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતાં. જેમણે વલસાડ જિલ્લાના સભ્યો, સભ્ય નાગરિકો સાથે ગોષ્ઠી કરી હતી. આ પ્રસંગે તેમણે મંચનું 2047 સુધીનું જે વિઝન છે. તે અંગે વિસ્તૃત જાણકારી પ્રદાન કરી હતી.
ઉલ્લેખનીય છે કે, સ્વદેશી જાગરણ મંચ દ્વારા દેશના વિકાસ માટે Road to Viksit Bharat 2047 સુધીની અનોખી પહેલ હાથ ધરી છે. જે અંતર્ગત દરેક જિલ્લામાં એક વિશેષ ટીમ તૈયાર કરવામાં આવી રહી છે. તેમજ દેશનું વિકાસ મોડેલ કેવું હોવું જોઈએ, સ્થાનિક કક્ષાના ઉદ્યોગોને કેવી રીતે પ્રોત્સાહન આપવું, દરેક ક્ષેત્રમાં અને શહેરોનો વિકાસ કેવો હોવો જોઈએ તે અંગેના અભિપ્રાય મેળવી રહ્યા છે. જે કાર્ય પૂર્ણ થયા બાદ તેને દેશ સમક્ષ રજુ કરશે. વાપીમાં આયોજિત કાર્યક્રમમાં જિલ્લાના અગ્રણીઓ અને મંચના સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.