વર્ષ 2021ના ઓગસ્ટ મહિનામાં વાપીના 93 જેટલા ઉદ્યોગોના સંચાલકો પાસેથી વાપી ગ્રીન એન્વાયરો લિમિટેડ(VGEL)ના 2 ડિરેક્ટરો અને એક VIA ના પૂર્વ પ્રમુખ દ્વારા ગાંધીનગરમાં GPCB ના અધિકારીઓને 10 કરોડ જેવી માતબર રકમ ઉઘરાવી પુરી પાડી હોવાના અખબારી અહેવાલોનું ભૂત ધુણ્યું હતું. આ પ્રકરણ બાદ ગાંધીનગર GIDC અને VGEL ના ચેરમેન થેંનારસન દ્વારા 2 સભ્યોની કમિટી ની રચના કરતા આ કમિટીએ વાપી GIDC ઓફીસ ખાતે પત્રકારો પાસેથી વિગતો મેળવી હતી. અને આ કરોડોની ઉઘરાણી મામલે ભોગ બનનાર ઉદ્યોગોકારોને સાંભળ્યા હતાં. જો કે, 2 વર્ષ બાદ આ સમગ્ર પ્રકરણનો સુ:ખદ અંત આવ્યો છે.
વાપીના 99-ઉદ્યોગકારો 4.094 MLD જેટલું ઉદ્યોગોમાંથી નીકળતું પાણી CETP માં મોકલી ટ્રીટ કરી શકે તે માટે વર્ષોથી લટકતી પરમિશન આખરે GPCB માંથી મળી છે. અને તેને કારણે વાપીના ઉદ્યોગકારોમાં અત્યંન્ત ખુશીની લહેર વ્યાપી હોવાની એક અખબારી યાદી VIA તરફથી મળી છે. જેમાં જણાવ્યું છે કે, વાપીના ઉદ્યોગોને નવી પ્રોડક્ટ માટે એક્ષપાન્સન કરવા અને નવો ઉદ્યોગ ઉભો કરવા માટે લગભગ 90 થી 100 કેમિકલ, ફાર્મા, ટેક્ષટાઇલ અને પેપરમિલોને પોતાનું પ્રોડક્શન વધારવા માટે ઉદ્યોગોમાંથી નીકળતા પ્રદૂષિત પાણી CETP માં મોકલી તેની ટ્રીટમેન્ટ કરવા માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) પાસેથી પરવાનગી માટે VIA દ્વારા આવેદન કરેલ હતું.
આ આવેદન કોઈક કારણસર ઘણા વર્ષોથી અટકેલ હતું અને પરવાનગી મળતી નહોતી જેના કારણે ઔદ્યોગિક ક્ષેત્રના ઉદ્યોગોના વિકાસની ગતિને વેગ મળતો નહોતો. ત્યારે GPCB ના ચેરમેનને કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ ગાંધીનગરમાં એક મિટિંગ દરમ્યાન રજુઆત કરી હતી કે, વાપીના ઉદ્યોગકારોને ઉદ્યોગમાંથી વધારે ડિસ્ચાર્જ કરવા માટેની પરવાનગી આપવામાં આવે.
આ રજુઆત સાથે ધારાસભ્ય તથા VIA ના એડવાઈઝરી બોર્ડ મેમ્બર અને નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શનમાં VIA ના એડવાઈઝરી બોર્ડ મેમ્બર અને VIA ના પૂર્વ પ્રમુખ યોગેશભાઈ કાબરિયા, VIA ના એડવાઈઝરી બોર્ડ મેમ્બર મિલનભાઈ દેસાઈ, VIA ના પ્રમુખ સતિષભાઈ પટેલ, VIA ના એડવાઈઝરી બોર્ડ મેમ્બર એ.કે.શાહ અને VGEL ના ડાયરેકટર્સ મગનભાઈ સાવલિયા, સુરેશભાઈ પટેલ, સુનિલભાઈ અગ્રવાલ, કલ્પેશભાઈ વોરા અને VIA ના ઓફિસબેરરના મિત્રોના લગાતાર પ્રયત્નો કરતા રહેતા હાલમાં GPCB પાસેથી વાપી CETP 4.094 MLD જેટલું ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી CETP ને આપી તેની ટ્રીટમેન્ટ કરવા માટે મંજૂરી પ્રાપ્ત થયેલ છે.
આ મંજૂરી મળતા વાપી ઉદ્યોગ જગતમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે. આ મંજૂરીના લાભાર્થી લગભગ 99 ઉદ્યોગો છે. જેમાંથી મોટાભાગના નાના કેમિકલ અને ફાર્માસ્યુટીક્લ, ટેક્ષટાઇલ અને પેપરમિલના ઉદ્યોગો છે. એમને પોતાની પ્રોડક્શન અને એક્ષપાન્સન થી વાપીના ઉદ્યોગોને પોતાનું પ્રોડક્શન વધારવા અને નવા રોજગાર આપવા માટે ગતિ મળશે.
VIA માને છે કે, ઉદ્યોગકાર મિત્રોના સાથ સહકાર થકી અને માર્ગદર્શક કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શનથી આવનાર દિવસોમાં ઉદ્યોગકારો માટે આજ પ્રકારના ઘણા બધા ઉદ્યોગોના વિકાસ માટે કાર્યો સફળતાપૂર્વક પાર પાડીશું. આ મંજૂરી માટે ખાસ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈનો ખુબ આભાર માન્યો છે.
ઉલ્લેખનીય છે કે, વાપી GIDC માં મોટાભાગની ઇન્ડસ્ટ્રી પોલ્યુટેડ વોટર છોડતી ઇન્ડસ્ટ્રી છે. આ પોલ્યુટેડ વોટરને ટ્રીટ કરવા માટે વાપીમાં CETP પ્લાન્ટ છે. જેમાં ઉદ્યોગોનું પોલ્યુટેડ વોટર ટ્રીટ કરી દમણગંગા નદીમાં છોડવામાં આવે છે. આ પ્લાન્ટનું 5 MLD વધારાનું વિસ્તરણ કરવાની તજવીજ હાથ ધરાયા બાદ સૌથી વધુ પોલ્યુટેડ વોટર છોડતી 120 પૈકી 91 ઇન્ડસ્ટ્રીઝ ના સંચાલકો પાસેથી VGEL ના 2 ડિરેક્ટરો અને વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના પૂર્વ પ્રમુખ સહિતની ત્રિપુટીએ ગાંધીનગરમાં બેસેલા GPCB ના અધિકારીઓને 10 કરોડનું નૈવેધ ધરાવવા પૈસા ઉઘરાવ્યાં હોવાનું પ્રકરણ ગાઝયું હતું.
નોંધનીય છે કે, જે તે વખતે ગાજેલ 10 કરોડના નૈવેધ પ્રકરણમાં CETP ના 5 MLD વિસ્તરણ માટે જે 91 ઉદ્યોગોના સંચાલકો પાસેથી 10 કરોડનું ઉઘરાણું થયું હોવાની વિગતો સામે આવી હતી. તેમાંથી 90 ઉદ્યોગો એવા હતા જે આગામી દિવસોમાં 1.40 KL થી 250 KL જેટલું વધારાનું પાણી ડિસ્ચાર્જ કરવાની યોજના ધરાવતા હતા. જ્યારે અન્ય એક જ કંપની GPCB ની મંજૂરી સાથે 602.10 KL પોલ્યુટેડ વોટર CETP માં છોડતી હતી. આગામી દિવસોમાં તે 463 KL વધારાના પાણી સાથે કુલ 1066.10 KL પાણી CETP માં છોડવાની તૈયારી કરી રહી હતી. ત્યારે, GPCB ના અધિકારીઓએ ઉદ્યોગકારો પાસેથી 10 કરોડની ઉઘરાણી કરી હોવાની ચોંકાવનારી વિગતો મામલે કમિટી કેવો રિપોર્ટ આપશે અને વહીવટીતંત્ર કેવી કાર્યવાહી કરશે તેના પર સૌ કોઇ મીટ માંડીને બેઠું હતું. જેનો આખરે સુ:ખદ અંત આવ્યો છે.