Friday, January 31News That Matters

વલસાડ SOG ની ટીમે બે પિસ્તોલ તથા ચાર જીવતા કારતુસ સાથે પાંચ ઇસમોને ઝડપી પાડ્યા

વલસાડ જિલ્લા પોલીસની ટીમે ગુરુવારે વલસાડ નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે નંબર 48 પર થી નવસારીના બે લોકોની ધરપકડ કરી તેમની પાસેથી એક પિસ્તોલ અને ચાર જીવતા કારતુસ કબજે કર્યા હતા. આ ઘટના બાદ આ આરોપીઓ પાસેથી પિસ્તોલ ખરીદનાર નવસારીના અંતલીયાનાં એક ઇસમે પિસ્તોલ સાથે આત્મસમપર્ણ કર્યું છે. જ્યારે તેમાં સહભાગી થનારા નવસારીના ગણદેવીના જ વધુ 2 ઈસમો મળી કુલ 5 ઇસમોને SOG પોલીસે 2 પિસ્તોલ, 4 જીવતા કારતુસ સાથે ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે.

ગુરુવારે વલસાડ જિલ્લા SOGના PSI બી. એચ. રાઠોડ ની ટીમ વલસાડ નજીક આવેલ નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ ડુંગરી ગામ આસપાસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન માલવા ધાબાથી આગળ સુરત તરફના નેશનલ હાઇવે નંબર 48 ના સર્વિસ રોડ પરથી બાતમી આધારે રફિકલાલા આફતાબ ખાન અને હાર્દિક નરેન્દ્ર પટેલ નામના બે ઇસમોને ઝડપી પાડ્યા હતા. આ બંને ઈસમો પાસેથી SOG ની ટીમે એક પિસ્તોલ અને ચાર નંગ જીવતા કારતુસ કબજે કર્યા હતા. પોલીસની ટીમેં બંને આરોપીઓ પાસેથી ₹ 35,800 નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

તે દરમિયાન શુક્રવારે આ ઘટનામાં અચાનક જ એક નવો વળાંક આવ્યો હતો. અને આ ઈસમો પાસેથી નવસારીના ગણદેવી તાલુકાના આતલિયા ગામના એક ઈસમે પણ પિસ્તોલ ખરીદી હોય તેમનો ભાંડો ફૂટશે તેવી દહેશતમાં આવી SOG પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું છે.

ઘટના અંગે SOG પી.આઇ જે. એન. ગોસ્વામી તરફથી આપવામાં આવેલી વિગતો મુજબ હાર્દિક નરેન્દ્ર કોળી પટેલ, સાગર રાજુ ધોડિયા પટેલ તથા સચિન વિનોદ માંગ નામના ત્રણ ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. આ ત્રણેય ઈસમોએ સાતેક મહિના અગાઉ પકડાયેલા આરોપી રફિકલાલા આફતાબ ખાન પાસેથી એક પિસ્તોલ ખરીદી હતી. જે પિસ્તોલ તેઓએ આંતલીયાના કલ્પેશ છગન પટેલને સચિન મારફતે આપી હતી.

હાલમાં SOG પોલીસે હાર્દિકને પકડ્યો છે. તેવી જાણ કલ્પેશને થઈ હતી. પોલીસની પૂછપરછ માં પોતે ખરીદેલ પિસ્તોલનો પણ ભાંડો ફૂટશે તેવા ડરમાં તેમણે SOG પોલીસ સ્ટેશન માં આવી પાસ પરવાના વગરની પિસ્તોલ સાથે આત્મ સમર્પણ કર્યું હતું. SOG પોલીસે 25,000 ની કિંમતની પિસ્તોલ મોબાઈલ મળી કુલ 30 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી સામે વાપી જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી SOG PSI એન. સી. સગરને વધુ તપાસ સોંપી છે.

ઉલ્લેખનીય છે કે નવસારીના ગણદેવી તાલુકાના આતલીયા ગામે રહેતો કલ્પેશ પટેલ માથાભારે ઈસમ છે. તેમની સામે બીલીમોરા મથકમાં એટ્રોસિટી સહિતની વિવિધ કલમ હેઠળ 9 જેટલા ગુન્હા નોંધાયેલા છે. જ્યારે સાગર ધોડિયા પટેલ સામે પણ એક ગુનો નોંધાયો છે. વલસાડ જિલ્લા SOG એ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાની સુચના મુજબ જિલ્લામાં ગેરકાયદેસર રીતે પરવાના વગર હથિયાર રાખતા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં PI જે.એન.ગોસ્વામી, PSI બી. એચ. રાઠોડ, PSI એન.સી.સગર તથા અ.હે.કો અશોકકુમાર રમાશંકર, આ.હે.કો. ઓમપ્રકાશ રણબહાદુરસિંહ તથા અ.પો.કો. મોહંમદસફી સુલેમાન, અ.પો.કો. કિરીટસિંહ ધરમશીભાઇ તથા આ.પો.કો. નવિનકુમાર સુભાષચંદ્રએ ટીમ વર્ક થી મહત્વની સફળતા મેળવી છે. જેમાં હજુ વધુ આરોપી પણ પકડાઈ શકે તેવી આશા સેવાઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *