વલસાડ SOG એ જન્મ પ્રમાણપત્રો, આધારકાર્ડ, પાનકાર્ડ, ઇલેક્શન કાર્ડના બનાવટી દસ્તાવેજો બનાવતી ટોળકીને વાપીના ચણોદ વિસ્તારમાંથી ઝડપી પાડી છે. પકડાયેલ ટોળકી ચણોદ માં આવેલ શ્રી રામ સ્ટુડિઓમાં
લોકોના આધારકાર્ડ, જન્મ પ્રમાણપત્ર, ઇલેક્શન કાર્ડ, પાનકાર્ડ વગેરે દસ્તાવેજોમાં કોઇપણ જાતના દસ્તાવેજી પુરાવાઓ વગર કોમ્પ્યુટરના માધ્યમથી ગેરકાયદેસર રીતે સુધારા અને ફેરફાર કરી, બનાવટી દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવા ગ્રાહકોને પુરા પાડતા હતાં. SOG એ ત્રણેય આરોપીઓને પકડવા સાથે કુલ કિંમત રૂ. 92,450 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વલસાડ SOG ની ટીમેં બાતમી આધારે ચણોદ ગામ ખાતે આવેલ શ્રી રામ સ્ટુડીયોમાં તપાસ હાથ ધરી મનીષ રામલાલ સેન, અબ્દુલ્લા મોહમ્મદ સમીમ ખાન, કાલંદીચરણ રમેશચંદ્ર સામલની ધરપકડ કરી છે. પકડાયેલ ત્રણેય ઈસમો પોતાના આર્થિક લાભ સારૂ ગુન્હાહિત કાવતરુ રચી લોકોના આધારકાર્ડ, જન્મ પ્રમાણપત્ર, ઇલેક્શન કાર્ડ, પાનકાર્ડ વગેરે દસ્તાવેજોમાં કોઇપણ જાતના દસ્તાવેજી પુરાવાઓ વગર કોમ્પ્યુટરના માધ્યમથી ગેરકાયદેસર રીતે સુધારા અને ફેરફાર કરી, બનાવટી દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવા ગ્રાહકોને આપતા હતાં.
SOG ની ટીમે રેઇડ કરી ત્રણેય આરોપીઓને કુલ્લ કિંમત રૂ. 92,450 ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતાં. જેઓની વિરુદ્ધ ઇ.પી.કો કલમ 465, 467, 468, 471, 120(બી) મુજબનો ગુન્હો ડુંગરા પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીઓની ગુન્હો આચરવાની એમ.ઓ.અંગે પ્રાથમિક પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, મનિષ પોતે શ્રી રામ સ્ટુડીયોનો માલીક છે. કાલંદીયરણ શ્રી રામ સ્ટુડીયોમાં નોકરી કરે છે. અબ્દુલ્લા કેનેરા બેંક દમણ ખાતે આધારકાર્ડની કામગીરી કરે છે. જે ફ્રી ટાઈમમાં શ્રી સમ સ્ટુડીયો ખાતે આવી બનાવટી દસ્તાવેજો બનાવવાની કામગીરી કરતો હતો.
તમામ આરોપીઓએ કોમ્પ્યુટર અને અલગ-અલગ ઈલેક્ટ્રીક સાધનોની મદદથી પોતાના આર્થિક લાભ માટે જરૂરીયાતમંદ લોકોને આધારકાર્ડ, જન્મ પ્રમાણપત્ર, ઇલેશનકાર્ડ તથા પાનકાર્ડ જેવા અતિ મહત્વના દસ્તાવેજોમાં ગેરકાયદેસર રીતે ફેરફાર કરી આપેલ હોવાનું જણાયેલ છે. તેઓ કોઈપણ ડોક્યુમેન્ટમાં ફેરફાર કરવા માટે ગ્રાહક દિઠ રૂ|.600/- લેતા હતાં. અને છેલ્લા ત્રણેક વર્ષથી આ પ્રવૃત્તિ આચરતા હતાં. પોલીસે આરોપીઓની ધરપકડ કરવા સાથે સ્ટુડિઓમાં તપાસ કરતા 21 જન્મ પ્રમાણપત્રોની નકલ, 65 અલગ અલગ વ્યક્તિઓના આધારકાર્ડ, 9 ઇલેક્શનકાર્ડ અને 1 પાનકાર્ડની નકલ મળી આવી હતી.
ઉલ્લેખનીય છે કે, પોલીસ મહાનિરીક્ષક વાબાંગ ઝામીર, સુરત વિભાગ, સુરત (IPS) ના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ પોલીસ અધિક્ષક ડૉ.કરનરાજ વાઘેલા (IPS) ના જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારુ અસરકારક કામગીરી કરવા તથા એ.ટી.એસ. ચાર્ટર લગતી કામગીરી કરવા સૂચના કરેલ. જે અંગે એસ.ઓ.જી. પો.ઇન્સ.એ.યુ.રોઝ નાઓની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. આર.બી.પરમાર તથા એસ.ઓ.જી. પોલીસ સ્ટાફના માણસો ચાર્ટર લગત કામગીરી કરવા ડુંગરા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ટીમવર્કથી આ સફળતા મેળવી હતી.