વાપી ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી 2.750 કિલોગ્રામ ગેરકાયદેસર ગાંજાના જથ્થા સાથે એક મહિલા આરોપીને ઝડપી પાડવામાં આવી છે. રૂપિયા 27,500ના આ ગેરકાયદેસર ગાંજા સહિત કુલ 38 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયેલ મહિલા સામે વલસાડ SOG પોલીસે NDPS એકટ, 1985 મુજબનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.આ અંગે SOG વલસાડ દ્વારા અપાયેલ વિગતો મુજબ શોધી પોલીસ મહાનિરીક્ષક અને વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાએ વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થનું વેચાણ તથા સેવન કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હતી. જે અનુસંધાને SOG PI એ. યુ. રોઝ તથા SOG પોલીસ સ્ટાફના માણસોએ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.
તે દરમ્યાન વાપી ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મોટી નાયકાવાડ, પાણીની ટાંકી પાસે, કચીગામ રોડ, વાપી ખાતે રહેતી શબનમ મોહંમદભાઇ સૈયદે પોતાના કબજાના ઘરમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજો રાખી ગેરકાયદેસર રીતે વેચાણ કરે છે તેવી બાતમી મળતા રેઇડ કરવામાં આવી હતી.
રેઇડમાં આરોપીના રહેણાંક ઘરમાંથી 2.750 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જેથી તેના વિરૂધ્ધમાં NDPS એકટ 1985 ની કલમ 8(સી), 20(બી)(II) (B), 29 મુજબકાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી શબનમ મોહંમદભાઈ સૈયદ પાસેથી કબ્જે કરવામાં આવેલ ગાંજાની કુલ કિંમત 27,500 રૂપિયા છે. એ સાથે 10,500ના 2 મોબાઈલ મળી કુલ 38000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
સદર કામગીરી PI એ.યુ.રોઝ તથા ASI અશોકકુમાર રમાશંકર, ભાવેશકુમાર મગનભાઈ, સયદભાઈ બાબનભાઈ તથા અ.હે.કો. દિપકસિંહ, નિતીનભાઈ આ.પો.કો. મહેન્દ્રદાન જીલુભા તથા ડ્રાઈવર હે.કો. સુનિલકુમાર સુરેશચંદ્ર, ડ્રાઈવર હે.કો. રમેશભાઈ ભગુભાઈ વગેરે પોલીસ સ્ટાફ દ્રારા ટીમવર્કથી કરવામાં આવી હતી.