Friday, December 27News That Matters

વલસાડ પોલીસે રૂપિયા 12 લાખ સાથે 2 ઘરફોડ ચોરને ઝડપ્યા, પકડાયેલ ચોર ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં કુરિયર બોય બની ઘર-બંગલાને નિશાન બનાવી કરતા હતા ચોરી…!

વલસાડ પોલીસે ધરમપુર પોલીસ મથક વિસ્તારમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના આરોપીને ઝડપી પાડ્યા છે. મહારાષ્ટ્રમાંથી ઝડપાયેલ આ ઘરફોડ ચોર પાસેથી ચોરીના રોકડા રૂપિયા બાર લાખ મળી આવ્યાં છે. પકડાયેલ ચોરે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં ઘરફોડ ચોરી કરી છે. વલસાડ જિલ્લાની ચાર ઘરફોડ ચોરી તથા એક વાહન ચોરીના ગુન્હામાં પણ સંડોવણી હોય તેનો ભેદ ઉકેલાયો છે.ગત 11મી ઓક્ટોબર 2024ના ધરમપુરમાં આવેલ લક્ષ્મી એપાર્ટમેન્ટના એક ફ્લેટમાંથી 20.35 લાખ રોકડા અને સોનાના દાગીના મળી મળી કુલ 22.76 લાખની ચોરી થઈ હતી. જે ઘટનામાં ચોરને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી હતી. અલગ અલગ કુલ-06 ટીમોની રચના કરી ગુનાવાળી જગ્યાની આજુબાજુ તથા ધરમપુર, વલસાડ, પારડી, વાપી વિસ્તારના આશરે 500 થી વધુ સી.સી.ટી.વી. ફુટેજોનુ ટેકનિકલ એનાલીસીસ કરવામાં આવ્યું હતું. જેમાં વિગતો મળી હતી કે, આ ચોરી મહારાષ્ટ્રના સાંગલી તથા સોલાપુર વિસ્તારના રીઢા ઘરફોડીયા આરોપી એવા રાજવીર ઉર્ફે રાજુ સુભાષ વિઠલરાવ દેસાઇ અને નિતીશ ઉર્ફે નિતેશ અડવૈયા કમ્બાલૈયા ચિકમથનાઓએ કરી છે. જેથી બન્ને આરોપીઓને ઝડપી પાડી વલસાડ જીલ્લા ખાતે લાવી વધુ પુછપરછ કરી હતી.

આરોપીઓએ સુરત ખાતેથી ચોરી કરેલ ગ્રે કલરના એકટીવા મોપેડ નં. GJ-05-NY-7992 લઇને ધરમપુર આવ્યાં હતાં. જેઓએ બંધ બંગલાનું તાળુ તોડી રોકડા રૂપિયા તથા સોનાના દાગીનાઓની ચોરી કરી હોવાનું કબુલ્યું હતું. પકડાયેલ બન્ને રીઢા ઘરફોડ ચોર પાસેથી પોલીસે મોબાઇલ ફોન, ચોરીમાં ગયેલ રોકડા રૂપિયા, પાસબુકો તથા ચેકબુકો, ડીશમીશ મળી કુલ 12,10,000 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

બંન્ને આરોપીઓની વધુ પુછપરછ દરમ્યાન આરોપીઓએ કરેલ ઘરફોડ ચોરીમાથી મળેલ સોનાના દાગીના મહારાષ્ટ્ર ખાતે મુથુટ ફાયનાન્સમા ગીરવે મુકી રોકડ મેળવેલ તેમજ ચોરીમા મળેલ સોનાના દાગીના પૈકી 7 તોલા સોનુ મહારાષ્ટ્ર રાજયના કોઇ ખાનગી ફાયનાન્સર પાસે મુકેલ હોવાની કબુલાત કરી છે.

પકડાયેલ આરોપીઓમાં રાજવિર ઉર્ફે રાજુ સુભાષ વિઠલરાવ દેસાઇ અને નિતીશ ઉર્ફે નિતેશ અડવૈયા કમ્બાલૈયા ચિકમથની ધરમપુર, કોસ્ટલ પોલીસ સ્ટેશન મોટી દમણ, સેલવાસ, વલસાડના ગુંદલાવના ઘર-બંગલામાં ચોરી કરી હોવાની સંડોવણી ખુલી છે. તો, સુરત, મહારાષ્ટ્ર ના કોલ્હાપુરના ગાંધીનગર, જુના રજવાડા, રાજા રામપુરી, સોલાપુર એમ.આઈ.ડી.સી, સાંગલી સીટી ગાંવભાગ પોલીસ મથકમાં 14 જેટલા ગુન્હા નોંધાયા છે. જ્યારે કર્ણાટકના માલામૃતિ, મારકેટ, શિવાજીનગર, સદલગા પોલીસ મથકમાં 9 ગુન્હા સહિત કુલ 26 જેટલી ચોરીઓમાં સંડોવણી સામે આવી છે.

પકડાયેલ આરોપીઓ પ્રથમ ટુ વ્હીલર બાઇકની ચોરી કરી તે વાહનનો અલગ વિસ્તારમા ચોરી કરવા માટે રેકી કરવામા ઉપયોગ કરી દિવસ દરમ્યાન બંધ રહેતા બંગલા તેમજ એપાર્ટમેન્ટોના ફલેટોને ટાર્ગેટ કરી બીજા દિવસે કુરીયર બોય જેવા કેઝયુઅલ કપડા પહેરી, ટુ વ્હીલર બાઇક ઉપર આવી ચોરી કરતા હતાં. જે બાદ ચોરીમાં વપરાયેલ વાહનને બિન વારસી છોડી ચોરીના મુદ્દામાલ સાથે નાસી જતા હતાં.

ઉલ્લેખનીય છે કે, આવા રીઢા આંતરરાજ્ય ઘડફોડ ચોરને ઝડપી પાડવા વલસાડ જિલ્લા પોલીસવડા કરણરાજ વાઘેલાની સૂચના હેઠળ LCB PI ઉત્સવ બારોટ, SOG PI એ. યુ. રોઝ, વાપી ટાઉન PI કે. જે. રાઠોડ, ધરમપુર PI એન. ઝેડ. ભોયા, રૂરલ PI બી. ડી. જીતીયા, સાયબર ક્રાઈમ PI એમ. એન. બુબડીયાના માર્ગદર્શન હેઠળ PSI જે. એન. સોલંકી, PSI જે. જી. વસાવા તથા તમામ શાખાના પોલીસ કર્મચારીઓએ ટીમ વર્કથી કામગીરી કરી સફળતા મેળવી હતી.

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *