વલસાડ જિલ્લા પોલીસે ગુમ થયેલ બાળકો ને શોધી કાઢવાના અભિયાનમાં વધુ એક સફળતા મેળવી છે. જિલ્લાના ઉમરગામ પો.સ્ટે. વિસ્તારના ખતલવાડ ગામમાંથી 3 સગીર વયની બાળકીઓ ગુમ થઈ હતી. જેઓને અમદાવાદ ના કાલુપુર રેલવે સ્ટેશનથી શોધી કાઢી તેઓના પરિવાર સાથે મેળાપ કરાવ્યો છે.
શનિવારે 24મી મેં ના ગઇકાલ બપોરના 12 વાગ્યા આસપાસ ખતલવાડ ગામની ત્રણ સગીર વયની બાળકીઓ પોતાના ઘરેથી માતા પિતાને જાણ કર્યા વિના ક્યાંક ચાલી ગઈ હતી. જેની માતા પિતા દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. જો કે બાળકીઓની કોઈ ભાળ મળી નહોતી. જેથી બાળકીઓના વાલીઓ ઉમરગામ પો.સ્ટે. ખાતે આવી વિગતવાર જાણ કરી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ સુરત વિભાગ સુરતના પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાની સુચના અને વાપી વિભાગ ના નાયબ પોલીસ અધિક્ષક, બી.એન.દવેના માર્ગદર્શન હેઠળ I/C પો.ઈન્સ એ. યુ. રોઝ, LCB વલસાડ તથા પો.ઇન્સ. પી. એ. વળવી ઉમરગામ પો.સ્ટે. દ્વારા લોકલ ક્રાઇમ બ્રાંચ વલસાડ તથા સ્પેશયલ ઓપરેશન ગૃપ વલસાડ તથા ઉમરગામ પો.સ્ટે.ના પોલીસ અધિકારી/કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી ગુમ થયેલ સગીર વયની ત્રણ બાળકીઓને શોધી કાઢવા તપાસ હાથ ધરી હતી.
પોલીસની ટીમે બાળકીઓના માતા પિતાનો સંપર્ક કરી જરૂરી માહીતી મેળવી હતી. તે સાથે આજુબાજુના CCTV ફુટેઝ તથા ટેકનીકલ એનાલીસીસ આધારે વર્કઆઉટ હાથ ધર્યો હતો. દરમ્યાન ગુમ થયેલ બાળકીઓ ઉમરગામ રેલ્વે સ્ટેશનથી વાપી રેલ્વે સ્ટેશન અને ત્યાંથી અમદાવાદ જતી ટ્રેનમાં બેસી ગયેલ હોવાની હકીકત મળી હતી.
આ બાબતે ઉપરી અધિકારીઓ દ્રારા અમદાવાદ કાલુપુર રેલ્વે પોલીસના સંપર્કમાં રહી જરૂરી માહીતી શેર કરતા અમદાવાદ કાલુપુર રેલ્વે પોલીસ દ્રારા ત્રણેય સગીર વયની બાળકીઓને ટ્રેનમાંથી શોધી કાઢતા ઉમરગામ પોલીસ દ્રારા તાત્કાલીક અમદાવાદ ખાતે જઇ ત્રણેય બાળકીઓનો કબજો મેળવી ઉમરગામ પો.સ્ટે. ખાતે લાવવામાં આવી હતી.
બાળકીઓની પુછપરછ કરતા ત્રણેય બાળકીઓ ટ્રેનમાં બેસી ફરવા જવા સારૂ રાજસ્થાનમાં આવેલ ખાટ્ટશ્યામ મંદીર અને ત્યાંથી દ્રારકાધીશ મંદિર જવાનો પ્લાન બનાવેલ હતો. પોતાના પરિવારને ફરવા જવાના પ્લાન કહેશે તો ફરવા જવા દેશે નહી એવું વિચારી ઘરે જાણ કર્યા વગર નીકળી ગઈ હોવાનું જણાવ્યું હતું.
ઉમરગામના ખતલવાડા ગામમાંથી ગુમ થયેલ ત્રણેય બાળકીઓને સહી સલામત શોધી કાઢી બાદમાં ગણતરીના કલાકોમાં અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશન ખાતેથી ઉમરગામ લાવવામાં આવી હતી. આ કામગીરી ઉમરગામ પો.સ્ટે.ના પો.ઈન્સ. પી. એ. વળવી તથા LCB વલસાડના I/C પો.ઈન્સ એ. યુ. રોઝ, તથા LCB, SOG, ઉમરગામ પો.સ્ટે.ના પોલીસ અધિકારી/કર્મચારીએ ટીમ વર્કથી સફળતા મેળવી હતી.