ગઇ તા.08/05/2023 ના રાતા કોપરલી રોડ, રામેશ્વર શિવ મંદીર ખાતે કોચરવા ગામના શૈલેષ પટેલ તેના પરીવાર સાથે તેઓની સ્કોર્પીયો કારમાં દર્શન કરવા ગયા હતા. તે વખતે કારમાં જ બેસેલા શૈલેષ પટેલ પર ફાયરીંગ કરી માથાના ભાગે ગોળી મારી ઘટનાસ્થળે જ મોત નિપજાવી 3 શાર્પ શૂટર ફરાર થઇ ગયા હતાં. આ ઘટનામાં સંડોવાયેલ કુલ 8 જેટલા આરોપીઓને વલસાડ પોલીસે અગાઉ ઝડપી પાડ્યા છે. જેમાં શૈલેષ પટેલની હત્યામાં સંડોવણી ધરાવતા અજય ચંદ્રબલી ગુડડું ફરાર હોય તેની પણ ધરપકડ કરી મહત્વની સફળતા મેળવી છે.
આ સમગ્ર ઘટનામાં પોલીસે અગાઉ આરોપીઓ નં.(1) વિપુલભાઈ ઈશ્વરભાઈ દયાળભાઈ કો.પટેલ (2) મિતેશભાઈ ઈશ્વરભાઈ દયાળભાઈ કો.પટેલ (3) શરદભાઈ ઉર્ફે સદિયો દયાળભાઈ કો.પટેલ ત્રણેય રહે રહે.કોચરવા ગામ, કુંભાર ફળીયા, તા.વાપી જી.વલસાડ (4) અજયભાઇ સુમનભાઇ દલુભાઇ ગામીત હાલ રહે વાપી મુળ રહે જી.નવસારી (5) સત્યેન્દ્રસિંગ ઉર્ફે સોનુ રાજનાથસિંગ કેહુલીસિંગ (રાજપુત) રહે.હાલ.ચણોદ ગામનાઓની ધરપકડ કરવામાં આવેલ હતી.
ત્યાર, બાદ તપાસ દરમ્યાન (1) નિલેશભાઇ બાબુભાઇ આહીર રહે ગામ-પંડોર તાઃવાપી જી.વલસાડ (2) મિલનભાઇ વિનોદભાઇ ધો.પટેલ રહે ગામ-અંબાચ તાઃપારડી જી.વલસાડ (3) પરિક્ષિત ઉર્ફે લાલુ S/O નટુભાઇ આહીર ગામ- બોરીગામ તાઃઉમરગામ જી.વલસાડ નાઓની ગુના કામે સીધી સંડોવણી જણાઇ આવતી હોય ત્રણેયને ધરપકડ કરવામાં આવેલ આ સમગ્ર તપાસ દરમ્યાન શૈલેષ પટેલ પર ફાયરીંગ કરનાર D-16 ગેંગ તથા અમનસીંગની ગેંગના વૈભવ યાદવ, અજય યાદવ અને દિનેશ ગોંડની ઓળખ થયેલ હતી.
સદર ગુનાના ત્રણેય શાર્પશુટર આરોપીઓ પૈકી (1) વૈભવ હરીરામ યાદવ રહે, આઝમગઢ ઉતરપ્રદેશ (2) દિનેશ મોતીચંદ ગૌડ રહે, આઝમગઢ યુ.પીને ઝારખંડ રાજયના ધનબાદ જીલ્લા પોલીસે ફાયર આર્મ્સ સાથે ધરપકડ કરેલ હતી જયાંથી ટ્રાન્સફર વોરંટ આધારે કબજો મેળવી ધરપકડ કરવામાં આવેલ હતી.
આ બંને પકડાયેલ આરોપીઓની પુછપરછ કરતા અગાઉ પકડાયેલ આરોપીઓ સાથે મળી શૈલેષ પટેલની હત્યા કરવા માટે રૂ. 19 લાખમાં સોપારી લીધેલ હતી અને તા.08/05/2023 ના રોજ શૈલેષ પટેલ પર ફાયરિંગ કરી હત્યા કર્યા બાદ બાઈક પર UP તરફ નાસી ગયા હતાં.
આ ગુનામા સંડોવાયેલ આરોપી અજય ઉર્ફે ગુડડું સતીરામ ચંદ્રબલી યાદવ પોલીસ પકડથી દૂર હતો. જેની ઉત્તરપ્રદેશ રાજયના આંબેડકરનગર જિલ્લાના અલીગંજ પોલીસ મથકમાં કલમ 307 તથા આર્મ્સ એકટ કલમ 3/25 મુજબના ગુનામાં અટક કરેલ હોય, સદર આરોપીને આ ગુનામાં અટક કરવા સારૂં નામદાર કોર્ટ વાપીના પ્રોડકશન વોરંટ આધારે આંબેડકરનગર જીલ્લા જેલ, ઉત્તરપ્રદેશ ખાતેથી કબજો મેળવી ગુનાના કામે અટક કરવામા આવેલ છે.
શૈલેષ પટેલની હત્યામાં સંડોવણી ધરાવતા અજય ચંદ્રબલી મુળ આજમગઢ જીલ્લાનો રહેવાસી છે અને આ ગુના અગાઉ પકડાયેલ D-16 ગેંગના શાર્પ શુટરો સાથે મળી પોતાનુ અલગ ગ્રુપ બનાવી ઉત્તરપ્રદેશ, ઝારખંડ રાજયના અલગ અલગ જીલ્લાઓમાં જનસેવા કેન્દ્ર લુંટ, પેટ્રોલપંપ લુંટ, આંગડીયા લુંટ, અપહરણ, કોલસાના વેપારી, ફાયનાન્સર, ડોકટર, બિઝનેસમેનને ફોન કરી ખંડણી મેળવે છે અને ખંડણી આપવાનો ઇન્કાર કરે તો જે તે વ્યકિત પર ફાયરીંગ કરી ડરાવી ધમકાવી ખંડણી વસુલ કરે છે. જેની સામે ઉત્તરપ્રદેશમાં અલગ અલગ પોલીસ મથકમાં કુલ 23 જેટલા ગુન્હા નોંધાયેલ હોય એ એક રીઢો આરોપી છે.