અમે એક બહેનનને પકડી છે. જેણે તમારી પાસેથી બિલ વગરની ચેઇન ખરીદી છે. એટલે 29,500 રૂપિયા ગૂગલ પે કરો નહિ તો ટીમ ને મોકલીશ એવા પ્રકારની ટેલીફોનિક વાત કરી વાપીના એક સોની વેપારીને PSI તરીકેની ખોટી ઓળખ આપનાર વડોદરાના શખ્સને વલસાડ પોલીસે ઝડપી પાડ્યો છે.આવી ગંભીર ઘટના અંગે જાહેર જનતાને અપીલ કરવા વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ એક પત્રકાર પરિષદ બોલાવી વિગતો આપતા જણાવ્યું હતું. કે, વાપી GIDC પોલીસ મથકે BNS કલમ 204, 326(2),318(4) મુજબનો ગુન્હો નોંધાયો હતો. જેમાં વડોદરાના એક શખ્સે વાપીના એક સોની વેપારીને મોબાઇલ ફોન ઉપર પોતે PSI અર્જુનસિંહ ઝાલા વડોદરાથી બોલુ છુ. અને ડીસેમ્બર મહીનામાં તમારી દુકાન ઉપર એક બહેનને સોનાની ચેઇન વેંચાણથી આપેલ હતી. તે બહેનને અમે પકડેલ છે. તો રૂ. 29,500/ ‘ગુગલ પે’થી મોકલો નહી તો હું ટીમ તમારી દુકાન ઉપર મોકલુ છુ. તેમ કહી સોનીને ડરાવતા સોનીએ રૂપીયા 29,500/ ટ્રાન્સફર કર્યા હતાં.જો કે, એ પછી સોનીએ PSI ઝાલાના મોબાઇલ ફોન ઉપર ફોન કરતા ફોન સ્વીચ ઓફ આવતો હોય જે અંગેની સોનીએ વાપી ઉદ્યોગનગર પો.સ્ટે.માં આવી ફરીયાદ આપતા આ ગુનાના આરોપીને શોધી કાઢવા તપાસ હાથ ધરી હતી. જેમાં વડોદરા પોલીસની મદદથી છેતરપીંડી કરનાર શખ્સને ઝડપી પાડ્યો હતો.પકડાયેલ શખ્સનું નામ અભિષેક ઉર્ફે કાંતીભાઇ સાવલીયા છે. જે બી-127, શ્રી કુંજ રેસીડન્સી ગામ આમલગીરી તા.વરણામા જી.વડોદરાનો રહીશ છે. અને મૂળ ગામ જશાપર તા.કાલાવાડ જી.જામનગરનો છે. જેની ધરપકડ કરી તેમની પાસેથી વાપી GIDC પોલીસે રોકડા રૂ.29,500 તથા 10 હજારના 2 મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 39,500/નો મુદામાલ કબ્જે કર્યો છે.તો, આ સાથે જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ જાહેર જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે, તમારા મોબાઇલ ફોન ઉપર કોઇ અજાણી વ્યકિત ફોન કરી પોતે પોલીસ અધિકારી તેમજ અન્ય સરકારી ખાતાના અધિકારી બોલે છે તેમ કહી તમોને ડરાવી ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કરવાનું કહે તો રૂપિયા ટ્રાન્સફર કરવા નહિ અને એ અંગે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો.