વલસાડ જિલ્લામાં વર્ષ 2022માં નોંધાયેલ ગુન્હાઓ સામે વર્ષ 2023માં નોંધાયેલ ગુન્હાઓ અંગે વલસાડ જિલ્લા પોલીસવડા એ વાર્ષિક ક્રાઈમ રિપોર્ટ રજૂ કર્યો છે. જેમાં મર્ડર, લૂંટ, ધાડ અને અકસ્માત મોત ના કેસોમાં સફળતા મેળવી છે. જો કે, જિલ્લામાં ઘરફોડ ચોરી, ઠગાઈના ગુન્હાઓ પર કાબુ મેળવવામાં પોલીસને જોઈએ તેવી સફળતા નહિ મળતા તેમાં વધારો નોંધાયો છે.
આ અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ વિગતો આપી હતી કે, વર્ષ 2023માં કુલ 1090 ગુન્હા નોંધાયા હતાં. જેમાં વર્ષ 2022ની તુલનાએ 93 ગુન્હાનો વધારો થયો છે. જિલ્લામાં ઘરફોડ ચોરી, ઠગાઈના ગુન્હાઓ પર કાબુ મેળવવામાં પોલીસને સફળતા નહિ મળતા આ વધારો નોંધાયો છે. પરંતુ અન્ય વિવિધ પ્રકારના ગુન્હામાં અનેકગણી સફળતા મળી છે.
વર્ષ 2023માં જાન્યુઆરીથી ડિસેમ્બર મહિના દરમ્યાન જો સૌથી વધુ સફળતા મળી હોય તો તે ગુમ કે અપહરણ થયેલ બાળકો અને પુખ્તવ્યના વ્યક્તિઓને શોધવામાં મળી છે. જિલ્લામાં કુલ 90 જેટલા મિસિંગ કે અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવામાં આવ્યા છે. તો, મિસિંગ કે અપહરણ થયેલ પુખ્તવયની 250 વ્યક્તિઓને પણ શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું છે. પોલીસની આ મહત્વની ઝુંબેશ હતી. જે વર્ષ 2024માં પણ શરૂ રાખી જાન્યુઆરી 2024માં 20 બાળકોને જ્યારે ફેબ્રુઆરી 2024માં 13 બાળકોને શોધી પરિવારોને સોંપ્યા છે. વલસાડ પોલીસ માટે આ મહત્વની સફળતા છે.
જિલ્લામાં વર્ષ 2023માં ચોરી, ઘરફોડ ચોરી અને ઠગાઈ ના ગુન્હા વધ્યા છે. જેમાં પોલીસને વિશેષ સફળત મળી નથી. પરંતુ શરીર સંબંધિત ગુન્હા હોય કે, મર્ડરના ગુન્હા કે અકસ્માત મૃત્યુના કેસ તેમાં નોંધપાત્ર ઘટાડો લાવવામાં સફળતા મળી છે. જિલ્લામાં વર્ષ 2022ની તુલનાએ વર્ષ 2023માં મર્ડરના ગુન્હામાં 3નો ઘટાડો, એટેમ્પટ ટૂ મર્ડર ના કેસમાં 11નો ઘટાડો, જિલ્લામાં વિવિધ અકસ્માત ઝોન પર 480 સામાન્ય અકસ્માત ના કેસ નોંધાયા છે.
ગંભીર કે ફેટલ અકસ્માતમાં 290 કેસ નોંધાયા છે. જે વર્ષ 2022માં 302 જેટલા હતાં. કુલ ફેટલ મૃત્યુમાં 11 નો ઘટાડો નોંધાયો છે. જે માટે બ્લેક સ્પોટ ડિકલેર કરેલ સ્થળો પર જરૂરી પગલાં લઈ સફળતા મેળવી છે. જિલ્લામાં ધાડ લૂંટ, ચેઇન સ્નેચિંગના ગુન્હામાં પણ રોક લગાવી સફળતા મેળવી છે.