Friday, January 31News That Matters

વાપીમાં સેલ્યુટ તિરંગાના ઉત્તમભાઈ પટેલ દ્વારા કાર સેવકોનું સન્માન કરી ભુખ્યાને ભોજન કરાવ્યું

22મી જાન્યુઆરી 2024 ભારતના ઇતિહાસ માટે સુવર્ણ અક્ષરે અંકિત થનારો દિવસ છે. આ દિવસે અયોધ્યામાં 500 વર્ષ બાદ રામ મંદિરમાં ભગવાન રામની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. જ્યારે આ અનેરા ઉત્સવના રંગે વાપી પણ રંગાયું છે. વાપીમાં સેલ્યુટ તિરંગા ના ઉત્તમભાઈ પટેલ દ્વારા વાપીથી અયોધ્યા કાર સેવા કરવા ગયેલા કારસેવકોનું સન્માન કરી ગરીબ કામદારોને સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું હતું.

આ પ્રસંગે ઉત્તમભાઈ પટેલે જણાવ્યું હતું કે, અયોધ્યામાં જ્યારે ભગવાન રામની પ્રતિમા સ્થાપિત થઈ રહી છે. ત્યારે રામ મંદિર નો આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ દિવાળી ઉત્સવ જેવો છે. જેની ઉજવણીમાં સહભાગી થવા એક દિવસ પહેલા વાપીમાં ચલા વિસ્તારમાં વાપીના કાર સેવકોને આમંત્રણ પાઠવી તેમનું સત્કાર સન્માન કરવામાં આવ્યું હતું.

ઉત્તમ ભાઈ પટેલ દ્વારા સન્માનિત વાપીના કાર સેવકો પૈકી શ્રીપાદ સોની નામના કાર સેવકે જણાવ્યું હતું કે, 1988 થી 1992 દરમ્યાન દેશભરમાં અયોધ્યા રામ મંદિર ની ચળવળ ચાલી હતી. જે દરમ્યાન તેઓએ પોતાની ટીમ સાથે પરિષદની સૂચના મુજબ ગામેગામ રેલીઓ યોજી હતી. પ્રચાર કર્યો હતો. જે અરસામાં તેઓ કાર સેવા માટે 1992માં અયોધ્યા ગયા હતાં. કારસેવક તરીકે કાર સેવા દરમ્યાન અનેક મુશ્કેલીઓ વેઠી હતી. આજે એ પ્રસંગને યાદ કરીએ છીએ તો તે મુશ્કેલીઓ કરતા આનંદની લાગણી વધુ અનુભવાય છે. કેમ કે તેમના જેવા કાર સેવકોના પ્રયાસ બાદ આજે 2024 માં રામ મંદિરનું નિર્માણ થયું છે. અને 22મી જાન્યુઆરીની શુભઘડીએ ભગવાન રામની પ્રતિમા પણ મંદિરમાં સ્થાપિત થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે ઉત્તમભાઈ પટેલ દ્વારા કાર સેવકોનું સન્માન કરવા ઉપરાંત વાપી ચલા વિસ્તારમાં મજૂરી કામ કરતા કામદારોને ઇજન આપી સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું હતું. કામદાર મહિલાઓને સાડી આપી હતી. ભક્તિમય માહોલ વચ્ચે સૌ કોઈએ જય શ્રીરામ નો જયઘોષ કર્યો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *