શુક્રવારે વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસતા વરસાદમાં ઉમરગામ તાલુકામાં બારે મેઘ ખાંગા થયા છે. ઉમરગામમાં સવારના 6 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં 6 ઇંચ વરસાદ વરસતા અનેક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે. તો સંઘપ્રદેશ દમણમાં પણ 7 કલાકમાં 116mm વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. સેલવાસમાં પણ 8 કલાકમાં 91mm વરસાદે લોકોને તૌબા પોકરાવ્યાં છે. વાપીમાં પણ 3 ઇંચ જેટલો વરસાદ વરસતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં, રેલવે ગરનાળામાં અને ઓવરબ્રિજ આસપાસના વિસ્તારમાં પાણી ભરાયા છે. વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં શુક્રવારે મેઘરાજાએ પોતાનું હેત વરસાવવા સાથે ઉમરગામ તાલુકામાં અને વલસાડ તાલુકામાં ભારે પવન સાથે રૌદ્ર રૂપનો પરચો બતાવ્યો છે. વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં 10 કલાકમાં 4 ઇંચ તો ઉમરગામ તાલુકામાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. વાપીમાં પણ 3 ઇંચ જેટલો વરસાદ વરસતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં, રેલવે ગરનાળામાં અને ઓવરબ્રિજ આસપાસના વિસ્તારમાં પાણી ભરાયા છે. જિલ્લામાં ઉમરગામ તાલુકામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ઉમરગામના રેલવેના નવા પુલ પાસે ગટર લાઈન ના અભાવે કલ્પવૃક્ષ પાસે દુકાનમાં પાણી ભરાયા હતાં. દુકાન માં પાણી ભરાતા દુકાન માલિકની મુશ્કેલી વધી હતી. વરસાદી પાણી સાથે ગટરનું ગંદુ પાણી પણ દુકાનોમાં ભરાતા વેપારીઓમાં આક્રોશ વ્યાપ્યો હતો.સોળસુંબા ગ્રામ પંચાયત દ્વારા પ્રિમોન્સૂન કામગીરીમાં ઉતારેલી વેઠથી વેપારીઓ મુશ્કેલી માં મુકાયા હતાં. ઉમરગામ ની જેમ વાપી, પારડી, ધરમપુર, કપરાડા, વલસાડ તાલુકામાં પણ સરેરાશ એક ઇંચ થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજાએ રમઝટ બોલાવી ઉમરગામ ને ઘમરોળ્યું હતું. ઉમરગામ તાલુકામાં રસ્તાઓ પર વરસાદ પાણી વહેતા થતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતાં. અકરા મારુતિ તળાવ પાસે અનેક વાહનો પાણીમાં ફસાયા હતાં. ઉમરગામ ટાઉન, ગાંધી વાડી, સ્ટેશન મુખ્ય માર્ગ ઉમરગામ જીઆઇડીસી ઔદ્યોગિક વિસ્તારમાં પણ પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી પડી હતી. અનેક નીચાણવાળા વિસ્તારમાં 2 ફૂટ સુધીના પાણી ભરાતા જનજીવન તૌબા પોકારી ગયું હતું.ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લામાં ઉપરાંત દમણ અને સેલવાસમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. દમણમાં સવારના 10 થી સાંજના 5 વાગ્યા સુધીમાં 116mm વરસાદ વરસ્યો છે. જ્યારે સેલવાસમાં સવારના 8 થી 5 વાગ્યા સુધીમાં 91mm વરસાદ વરસ્યો છે. વલસાડ જિલ્લામાં શુક્રવારે સવારના 6 થી સાંજના 4 વાગ્યા સુધીમાં નોંધાયેલ વરસાદના આંકડા જોઈએ તો વલસાડ તાલુકા 102mm, ધરમપુર તાલુકામાં 29mm, પારડી તાલુકામાં 68mm, કપરાડા તાલુકામાં 18mm, ઉમરગામ તાલુકામાં 151mm અને વાપી તાલુકામાં 65mm વરસાદ છેલ્લા દસ કલાકમાં વરસ્યો છે. જ્યારે સીઝનના કુલ વરસાદની વાત કરીએ તો જિલ્લામાં સૌથી વધુ વરસાદ વલસાડ તાલુકામાં નોંધાયો છે. વલસાડ તાલુકામાં સીઝનનો કુલ વરસાદ 1168mm નોંધાયો છે. જે બાદ બીજા નંબરે ઉમરગામ તાલુકો છે. ઉમરગામ તાલુકામાં કુલ 1144mm વરસાદ નોંધાયો છે જ્યારે કપરાડા તાલુકામાં 976mm નોંધાયો છે. વાપી તાલુકામાં સીઝનનો કુલ વરસાદ 932mm નોંધાયો છે. પારડી તાલુકામાં સીઝનનો કુલ વરસાદ 801mm નોંધાયો છે. ધરમપુર તાલુકામાં સીઝનનો કુલ વરસાદ 784mm નોંધાયો છે.