Friday, October 18News That Matters

મુક-બધીર અને માનસિક અસ્વસ્થ બાળકોને વાપીના દેગામની આ શાળા આપી રહી છે નિઃશુલ્ક શિક્ષણ, તાલીમ અને રહેવા-જમવાની સંપૂર્ણ સુવિધા…!

વાપી તાલુકાના દેગામ ખાતે એક એવી શાળા આવેલી છે. જેમાં મુક બધિર, માનસિક વિકલાંગ બાળકોને અભ્યાસ, વ્યવસાયિક તાલીમ અને રહેવા માટે હોસ્ટેલ, ભોજન તમામ સુવિધા નિઃશુલ્ક આપી પગભર કરી રહી છે. આ શાળાનું નામ મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ-વાપી સંચાલિત રમણલાલ ગુલાબચંદ શાહ સ્પેશ્યલ એજ્યુકેશન એન્ડ રિહેબીલીટેશન સેન્ટર છે. જેમાં આગામી 27મી જુલાઈના શનિવારે એબનોર્મલ બાળકો માટે શાળા પ્રવેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.   વાપી તાલુકાના દેગામ ખાતે છેલ્લા 25 વર્ષથી મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ વાપી સંચાલિત અનોખી શાળા કાર્યરત છે. રમણલાલ ગુલાબચંદ શાહ સ્પેશ્યલ એજ્યુકેશન એન્ડ રિહેબીલીટેશન સેન્ટર એવા નામ સાથે ચાલતી આ શાળા સ્પેશ્યલ ચાઈલ્ડ કેટેગરીમાં આવતા મુક બધિર, માનસિક વિકલાંગ બાળકોને શિક્ષણ આપવા સાથે વ્યવસાયિક તાલીમ આપી પગભર કરે છે.  આ સ્પેશ્યલ એજ્યુકેશન એન્ડ રિહેબીલીટેશન સેન્ટર અંગે સંચાલક અને ટ્રસ્ટી એવા ડૉ. મોહન દેવ દ્વારા વિગતો આપવામાં આવી હતી કે, આ શાળામાં આધુનિક સુવિધાસભર હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ હોસ્ટેલમાં હાલ 70 છોકરા-છોકરીઓ રહે છે. હોસ્ટેલની ક્ષમતા 200 બાળકોને સમાવવાની છે. જેથી વલસાડ જિલ્લામાં અને આસપાસના અન્ય જિલ્લાઓમાં ઘરે જ રહેતા મુક બધિર કે માનસિક વિકલાંગ બાળકોને તેમના વાલીઓ અહીં નિઃશુલ્ક પ્રવેશ કરાવે, બાળકોનું ભવિષ્ય સુનિશ્ચિત કરે તેવા ઉદ્દેશ્યથી આગામી 27મી જુલાઈના શનિવારે શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ શાળામાં હાલ કુલ 175 બાળકો અભ્યાસ કરે છે. શાળામાં સામાન્ય રીતે 10 વર્ષથી લઈને 18 વર્ષ સુધીના એબનોર્મલ બાળકોને હોસ્ટેલ સુવિધા સાથે અભ્યાસલક્ષી તાલીમ અને વ્યવસાયલક્ષી તાલીમ આપવામાં આવે છે. છેલ્લા 25 વર્ષથી કાર્યરત આ શાળામાંથી અત્યાર સુધીમાં અંદાજીત 500 બાળકો તાલીમ મેળવી ચુક્યા છે. જેમના કેટલાક મુક બધિર અને માનસિક વિકલાંગ હોવા છતાં પણ વાપીની અલગ અલગ કંપનીઓમાં નોકરી કરે છે. કેટલાકે પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો છે. મુકબધીર અને વિકલાંગ દીકરા-દીકરીઓએ અહીં તાલીમ લઈ ઘરસંસાર માંડવામાં પણ સફળતા હાંસલ કરી છે.આ સ્પેશ્યલ એજ્યુકેશન એન્ડ રિહેબીલીટેશન સેન્ટરમાં આવતા તમામ બાળકોને 5માં ધોરણથી સીવણ, પ્રિન્ટિંગ, ખેતીને લગતા તેમજ અન્ય વ્યવસાયના વર્ગો ચલાવી વિશેષ તાલીમ આપવામાં આવે છે. મુકબધીર બાળકોને માઇક-હેડફોન જેવા આધુનિક ઉપકરણો વડે બોલતા, સાંભળતા કરી સ્પેશ્યલ તાલીમ આપવામાં આવે છે. તમામ બાળકોને લખતા, વાંચતા અને સાઈન લેન્ગવેજ શીખવવામાં આવે છે. બાળકો માટે રહેવા હોસ્ટેલની અને જમવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ તમામ સુવિધાઓ નિઃશુલ્ક છે.ઉલ્લેખનીય છે કે, આ સ્પેશિયલ ચાઈલ્ડ ની અનોખી શાળાને સરકાર તરફથી કોઈ જ પ્રકારની ગ્રાન્ટ મળતી નથી. દાતાઓના સહકારથી આ શાળાનું સંપૂર્ણ સંચાલન કરવામાં આવે છે. શાળામાં વલસાડ અને તેની આસપાસના અન્ય જિલ્લાના વાલીઓ પોતાના બાળકોને અભ્યાસ માટે શાળા પ્રવેશ કરાવે. બાળકોના ભવિષ્યને સુનિશ્ચિત કરે તેવા આશયથી શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. શાળા પ્રવેશ ઉત્સવના દિવસે વલસાડ ડાંગના સાંસદ ધવલ પટેલ અને વાપી વલસાડના સામાજિક અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહેશે. જેઓના હસ્તે નવા આવેલા બાળકોને શાળા પ્રવેશોત્સવ કરાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *