Friday, January 31News That Matters

વાપી ચારરસ્તા નજીક 5 દુકાનોને તસ્કરોએ બનાવી નિશાન, તમામ દુકાનોના CCTV શોભાના ગાંઠિયા નીકળ્યા

વાપી ચાર રસ્તા નજીક આવેલ હકીમજી બિઝનેસ સેન્ટર અને રાજહંસ કોમ્પ્લેક્ષમાં માં ગત રાત્રે ચોર ટોળકી ત્રાટકી હતી. દુકાનના શટર ઊંચા કરી તમામ દુકાનોમાં પ્રવેશેલી તસ્કર ટોળકીએ દુકાનોના ગલ્લામાં રહેલ પરચુરણ રકમની ચોરી કરી હતી. જેમાં એક દુકાનમાંથી 30 હજારની રોકડ જ્યારે બાકીની 4 દુકાનોમાંથી પાંચેક હજાર રોકડની ચોરી કરી હતી. જો કે આ ઘટના બાદ એ પણ સામે આવ્યું છે કે, આ તમામ દુકાનોમાં CCTV છે પરંતુ એકપણ CCTV ચાલુ હાલતમાં નથી. તમામ બંધ હાલતમાં જોવા મળ્યા હતાં.
ચોરીની આ ઘટના અંગે મળતી વિગતો મુજબ વાપી ચાર રસ્તા નજીક સેલવાસ રોડ પર આવેલ હકીમજી બિઝનેસ સેન્ટરમાં આવેલ અંબિકા પેઇન્ટ્સ નામની દુકાનમાં અને બાજુમાં આવેલ PUC સેન્ટરમાં શુક્રવારની રાત્રે તસ્કરોએ દુકાનના શટર ઊંચા કરી પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ અંબિકા પેઇન્ટ્સ નામની દુકાનના ગલ્લા માં રહેલ 30 હજાર રોકડની ચોરી કરી હતી. બાજુના PUC સેન્ટરનું શટર તોડી પ્રવેશ કરતા તેમાંથી એકાદ હજાર જેવું પરચુરણ ચોર્યું હતું.

તો, ચાર રસ્તા પર વાપી તરફના માર્ગ પર આવેલ રાજહંસ કોમ્પ્લેક્ષ માં આવેલ 3 દુકાનોના શટર ઊંચા કરી તસ્કરોએ અંદાજિત પાંચેક હજારની રકમ ચોરી કરી હતી. રાજહંસ કોમ્પ્લેક્ષમાં તસ્કરોએ પાર્શ્વનાથ ઓટોમોબાઈલ, એની બાજુની ઓટો પાર્ટ્સની દુકાન અને મહાવીર ઓટો પાર્ટ્સ એમ 3 દુકાનોમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ આ ત્રણેય દુકાનોમાંથી કોઈપણ પ્રકારના માલસમાનની ચોરી કરવાને બદલે ગલ્લામાં મૂકી રાખેલા 1 હજારથી 5 હજાર સુધીની પરચુરણ રકમ ચોરી કરી હતી.

જો કે આ ઘટના બાદ એ પણ સામે આવ્યું છે કે, આ તમામ દુકાનોમાં CCTV છે પરંતુ તે CCTV માત્ર સરકારના પરિપત્ર પૂરતા જ લગાવવામાં આવ્યા છે. એકપણ CCTV ચાલુ હાલતમાં નથી. તમામ બંધ હાલતમાં જોવા મળ્યા હતાં. CCTV પર ધૂળની છારી બાજી ગયેલી જોવા મળી હતી. જે જોતા કહી શકાય કે દુકાનોમાં લગાવેલ આ CCTV માત્ર શોભાના ગાંઠિયા સમાન છે.

ત્યારે સરકાર જે રીતે CCTV લગાવવા ના આદેશ કરે છે. તેવી જ રીતે તેનું નિયમિત ચેકીંગ કરે, સમયાંતરે CCTV માં રેકોર્ડ થતા ફૂટેજ મેળવે તો જ ફરજિયાત CCTV ના નિયમનું પાલન થશે. અને આવા ચોર ટોળકીઓની ગતિવિધિ પર નજર રાખી તેને પકડી પાડવામાં, ગુન્હા ઉકેલવામાં મહત્વના સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *