Saturday, December 21News That Matters

વાપીમાં ચણોદના સ્ટુડિઓમાંથી પકડાયેલ ટોળકી ખાનગી બેંકના ઓથોરાઈઝડ આધારકાર્ડ અપડેશન ID હેઠળ 600 રૂપિયામાં આધારકાર્ડ જેવા બનાવટી દસ્તાવેજો બનાવતી હતી

વલસાડ SOG ની ટીમેં બાતમી આધારે ચણોદ ગામ ખાતે આવેલ શ્રી રામ સ્ટુડીયોમાં તપાસ હાથ ધરી મનીષ રામલાલ સેન, અબ્દુલ્લા મોહમ્મદ સમીમ ખાન, કાલંદીચરણ રમેશચંદ્ર સામલની ધરપકડ કરી છે. પકડાયેલ ત્રણેય ઈસમો પોતાના આર્થિક લાભ સારૂ ગુન્હાહિત કાવતરુ રચી લોકોના આધારકાર્ડ, જન્મ પ્રમાણપત્ર, ઇલેક્શન કાર્ડ, પાનકાર્ડ વગેરે દસ્તાવેજોમાં કોઇપણ જાતના દસ્તાવેજી પુરાવાઓ વગર કોમ્પ્યુટરના માધ્યમથી ગેરકાયદેસર રીતે સુધારા અને ફેરફાર કરી, 600 રૂપિયામાં બનાવટી દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરવા ગ્રાહકોને આપતા હતાં.

આ અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ મીડિયાને વિગતો આપતા જણાવ્યા હતું કે, આ કારસ્તાનમાં દમણ ની ખાનગી બેંકમાં નોકરી કરતો અબ્દુલ્લા મોહમ્મદ સમીમ ખાન મુખ્ય માસ્ટર માઈન્ડ છે. જે દમણમાં આવેલ બેંકમાં ઓથોરાઈઝડ આધારકાર્ડ અપડેશન માટેનું કામ કરે છે. જેથી તેમની પાસે યુઝર ID અને પાસવર્ડ છે. જેમાં તે જે લેપટોપમાં લોગીન કરી લોકેશન સેટ કરતો હતો. તે લેપટોપ લઈ વાપીના ચણોદ માં આવેલ શ્રી રામ સ્ટુડિઓમાં આવતો હતો.

શ્રી રામ સ્ટુડિઓમાં મનીષ રામલાલ સેન, અબ્દુલ્લા મોહમ્મદ સમીમ ખાન, કાલંદીચરણ રમેશચંદ્ર સામલ છેલ્લા ત્રણેક વર્ષથી આ ગોરખધંધા ચલાવતા હતાં. જેમાં 600 રૂપિયામાં કોઈપણ વ્યક્તિ કે જેની ઉંમર 18 વર્ષથી નીચે હોય તો તેની બર્થડેટ, એડ્રેસના સુધારા કરી આપતા હતાં. પુખ્ત વયની વ્યક્તિઓના આધાર કાર્ડ બનાવી આપતા હતાં. અન્ય જરૂરી જન્મ પ્રમાણપત્ર, પાનકાર્ડ જેવા બનાવટી ઓળખકાર્ડ, દસ્તાવેજો બનાવી આપતા હતાં.

આ માટે સ્કેનર, પ્રિન્ટર, એપ્લિકેશન સહિત જરૂરી સાધન સામગ્રી પણ આ ટોળકીએ વસાવી હતી. હાલમાં ત્રણેયની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. તો, રેઇડ દરમ્યાન જેટલા પણ આધારકાર્ડ અને બર્થ સર્ટિફિકેટ્સ મળ્યા છે. તે અલગ અલગ રાજ્યના હોય તેનું વેરિફિકેશન કરવા જે તે જિલ્લાના કલેકટર સાથે પણ પત્રવ્યવહાર કરી તેની ખરાઈ કરવામાં આવશે. આ ટોળકી ડુપ્લીકેટ ઇલેક્શન કાર્ડ પણ બનાવી આપતી હોય તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, SOG ની ટીમે રેઇડ કરી ત્રણેય આરોપીઓને કુલ્લ કિંમત રૂ. 92,450 ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતાં. જેઓની વિરુદ્ધ ઇ.પી.કો કલમ 465, 467, 468, 471, 120(બી) મુજબનો ગુન્હો ડુંગરા પોલીસ સ્ટેશન ખાતે રજીસ્ટર કરાવ્યો છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરવા સાથે સ્ટુડિઓમાં તપાસ કરતા 21 જન્મ પ્રમાણપત્રોની નકલ, 65 અલગ અલગ વ્યક્તિઓના આધારકાર્ડ, 9 ઇલેક્શનકાર્ડ અને 1 પાનકાર્ડની નકલ મળી આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *