ચીખલી તાલુકાના વાઘલધરા નજીક નેશનલ હાઇવે પર બુધવારે ટેન્કરમાં લાગેલી આગથી અફરાતફરીનો માહોલ ઉત્પન્ન થયો હતો. ટેન્કરમાં જ્વલનશીલ પ્રવાહી હોય ભીષણ આગ લાગી હતી. ઘટનામાં 2 વ્યક્તિ જીવતા ભડથું થઈ ગયા હતાં. તો, એ ઉપરાંત 2 કાર પણ આગની ચેપટમાં આવી ગઈ હતી. લગભગ ત્રણેક કલાક સુધી હાઇવે બંધ રહેતા વાહનોની કિલોમીટરો સુધીની લાંબી કતાર લાગી હતી. આગને બુઝાવવા નવસારી-વલસાડના ફાયર જવાનોને બોલાવવા પડ્યા હતાં.
જો કે, આ ઘટના જેવી જ ઘટના વાપી નજીક બલિઠા માં નેશનલ હાઇવે પર બને તે પહેલાં તંત્રએ સાવચેત બની કાર્યવાહી કરવી જરૂરી છે. બલિઠા માં નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલા મામલતદાર કચેરી, GST ભવન તરફ અને બોમ્બે રેસ્ટોરન્ટ, M-ક્યુબ તરફ રોજના અનેક જવનલશીલ પ્રવાહી ભરેલા ટેન્કર પાર્ક કરવામાં આવે છે. નજીકમાં ગેરેજ અને વાહનોના સ્પેરપાર્ટ્સ, બોડીવર્ક્સ, વાહન લે-વેંચની હાટડીઓ છે. જ્યાં અન્ય ટ્રક જેવા વાહનો સાથે ટેન્કર પણ પાર્ક કરવામાં આવી રહ્યા છે. ન કરે નારાયણ અને જો અહીં કોઈ એકાદ વાહનમાં આગ લાગવાની કે અકસ્માતની ઘટના બને તો આસપાસમાં મોટી જાનહાની થઈ શકે છે. આ વિસ્તારમાં બન્ને તરફ સર્વિસ રોડ છે. જેના પર મોટેભાગે આવા વાહનચાલકો જ કબજો જમાવીને બેઠા છે.
અહીં અનેકવાર પોલીસ દ્વારા વાહન પાર્ક નહિ કરવાની ઝુંબેશ ચલાવવામાં આવી છે. અનેકવાર વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ તે બાદ પણ સ્થિતિ એવી ને એવી જ છે. નેશનલ હાઇવે હોવાને કારણે અહીં અનેકવાર ગમખ્વાર અકસ્માત થઈ ચૂક્યા છે. ત્યારે, હવે વાઘલધરા હાઇવે પર જ્વલનશીલ ટેન્કરના અકસ્માત બાદ તેમાં લાગેલી વિકરાળ આગ થી જે દહેશત મચી હતી. તેમાંથી શિખ લઈ હાઇવે પર બલિઠા જેવા સ્થળોએ આવા ટેન્કરો ના પાર્કિંગ સામે તંત્રએ સખ્ત વલણ અપનાવી ભવિષ્ય ની મોટી ઘટનાની ચિંતા કરી જરૂરી કાર્યવાહી કરવી સમયની માંગ છે.