Friday, October 18News That Matters

વાપીમાં નવદુર્ગા સેવા ટ્રસ્ટ દ્વારા ચણોદના મેંગો વિલા ખાતે ઉભા કરેલ ભવ્ય પંડાલમાં ઉજવાશે નવદુર્ગા મહોત્સવ

વાપીમાં છેલ્લા 15 વર્ષથી નવરાત્રિ મહોત્સવ દરમ્યાન ભવ્ય નવદુર્ગા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ ઉત્સવમાં નવદુર્ગા માતાજીની ભવ્ય પ્રતિમાની સ્થાપના કરી દશેરા સુધી માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ વખતે આ મહોત્સવ વાપીના ચણોદ ખાતે આવેલ મેંગો વિલામાં ઉજવવામાં આવી રહ્યો છે. જે માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.દશ દિવસના આ નવદુર્ગા મહોત્સવમાં પ્રથમ દિવસે 161 મહિલાઓની કળશયાત્રા યોજાશે. રામેશ્વર મહાદેવ મંદિરેથી આ કળશમાં પાણી ભરી લાવી તે કળશ પંડાલમાં રાખી દશેરા સુધી તેનું પૂજન કરવામાં આવે છે. નવદુર્ગા મહોત્સવના સમગ્ર આયોજન અંગે આયોજક અનુગ્રહ સિંઘાણીયાએ જણાવ્યું હતું કે નવદુર્ગા સેવા ટ્રસ્ટ દ્વારા છેલ્લા 15 વર્ષથી છઠપૂજા, દુર્ગા પૂજા, સરસ્વતી પૂજાનું આયોજન કરવામાં આવે છે.જે અંતર્ગત આ વખતના નવરાત્રી મહોત્સવ દરમ્યાન દુર્ગા માતાની પ્રતિમાની સ્થાપના કરી દુર્ગા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મિત્રો દાતાઓની મદદથી કર્મભૂમિ વાપીમાં તેઓ આ ધર્મનું કાર્ય કરતા આવ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ નવદુર્ગા મહોત્સવમાં નવે-નવ માતાજીના સ્વરૂપનું પૂજન અર્ચન કરવામાં આવશે. પ્રથમ દિવસે ભવ્ય કળશ યાત્રા યોજી રામેશ્વર મંદિરે દમણ ગંગા નદીથી પાણી ભરીને લાવવામાં આવશે. જેમાં 161 મહિલાઓ આ કળશની શોભા યાત્રામાં જોડાવાના છે. ત્યાર બાદ પૂજા અર્ચના કરવામાં આવશે. આ વર્ષે ચણોદમાં આવેલ મેંગો વિલા ખાતે આ નવદુર્ગા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે. તેના માટેના જે પંડાલની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. પંડાલમાં દરરોજ સત્સંગ, પાઠ, નવદુર્ગા માતાજીની પ્રતિમાની પૂજા અર્ચના કરવામાં આવે છે. દશમના દિવસે નવદુર્ગા માતાજીની પ્રતિમાને વાજતે ગાજતે દમણગંગા ખાડી પર લઈ જઈ વિસર્જન કરવામાં આવશે. આ ઉત્સવમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઊમટતા રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *