વાપી અને તેની આસપાસ જ્યારે પણ કોઈના સ્વજનનું મૃત્યુ થાય ત્યારે તેને અંતિમ ધામ પહોંચાડવા સર્વધર્મ મોક્ષધામ રથ સમિતિ તરફથી નિઃશુલ્ક મોક્ષ રથની સેવા પુરી પાડવામાં આવે છે. આ રથનું જરૂરી સમારકામ સાથે નવો લુક આપી રિ-લોકાર્પણ કરવામાં આવ્યું છે. વર્ષ 2012થી નિઃશુલ્ક સેવા આપતા આ મોક્ષરથ દ્વારા અત્યાર સુધીમાં 6000 થી વધુ મૃતકોને તેના અંતિમ ધામે પહોંચાડી માનવતાનું કાર્ય કર્યું છે.વાપીમાં વર્ષ 2012માં સર્વધર્મ મોક્ષધામ રથ સેવા સમિતિ વાપીની રચના કરવામાં આવી હતી. અને તે વર્ષથી જ નિઃશુલ્ક મોક્ષરથની સેવા શરૂ કરી હતી. જે હાલ 2024માં પણ અવિરત ચાલી રહી છે. આ મોક્ષ રથનું થોડું સમારકામ કરવાનું હોય 15 દિવસથી સેવા બંધ હતી. જે 2જી ઓક્ટોબર ગાંધી જયંતીના દિવસથી ફરી કાર્યરત કરવામાં આવી છે.મોક્ષરથના નવા લુક સાથે મૃતકોના મૃતદેહને અંતિમધામ પહોંચાડવાની આ સેવા અંગે સર્વધર્મ મોક્ષધામ રથ સેવા સમિતિ વાપીના ટ્રસ્ટી અને પ્રમુખ વિઠ્ઠલ કોટડીયાએ જણાવ્યું હતું કે વર્ષ 2002માં આ રથની સેવા શરૂ કર્યા બાદ અત્યાર સુધીમાં નિઃશુલ્ક સેવા આપીને 6000 થી વધુ મૃતદેહોને તેના અંતિમ ધામે પહોંચાડ્યા છે. વાપી ટાઉન, GIDC, આસપાસના ગ્રામ્ય વિસ્તસરમાં ચાલતી મોક્ષરથની સેવા કોરોના કાળમાં પણ અવિરત રહી હતી. 12 વર્ષથી મોક્ષરથમાં શાંતિભાઈ ડ્રાઇવર તરીકે સેવા આપે છે. જેઓ અત્યાર સુધીમાં એકપણ દિવસની રજા લીધી નથી. આ મોક્ષરથની જેને પણ જરૂરિયાત હોય તેના માટે એક હેલ્પલાઇન નંબર 8140334000 આપવામાં આવ્યો છે. જે નંબર પર જ્યારે પણ કોઈને આ રથની સેવાની જરૂર હોય તો તે કોલ કરી મંગાવી શકે છે. આ મોક્ષરથનું સંચાલન સર્વ ધર્મ મોક્ષધામ રથ સેવા સમિતિ વાપી દ્વારા કરવામાં આવે છે. જેમાં ટ્રસ્ટીઓ તરીકે વી. એસ. કોટડિયા, ભનુભાઈ કે. ચાંગેલા, અનિલભાઈ મુરલી પાનવાળા સતત પોતાની સેવા આપી રહ્યા છે.