આ વર્ષે 14 ફેબ્રુઆરી 2024ના હિંદૂ પંચાગ પ્રમાણે મહા સુદ પાંચમનો દિવસ છે. આ દિવસને વસંત પંચમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિદ્યાની દેવી માઁ શારદાની પુજા થાય છે. આ મહત્વના દિવસને ધ્યાને રાખી દેશભરમાં સાર્વજનિક સરસ્વતી પૂજા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. કેટલાક સ્થળોએ દોઢ દિવસ માટે માતા સરસ્વતીની પ્રતિમાની વિધિવત પૂજા અર્ચના કરી તેને વિશાળ ભક્તોની હાજરીમાં નદીમાં કે દરિયા કિનારે વિસર્જન કરવામાં આવે છે.
વસંત પંચમી એ પ્રકૃતિનો ઉત્સવ છે. આ દિવસે કોઇ પણ કાર્યનો શુભઆરંભ મુહર્ત જોયા વિના કરી શકાય છે. આ પર્વ અજ્ઞાનનો નાશ કરી પ્રકાશ તરફ લઇ જાય છે. સુર્યના ઉતરાયણ થયા બાદ વસંત પંચમી પહેલો ઉત્સવ આવે છે.
વસંત પંચમીના દિવસે પીળાં વસ્ત્રો પહેરી સરસ્વતી માતાની પૂજા કરવાનું ખૂબ મહત્વ હોય છે. આ દિવસે ઉત્તર દિશા તરફ મુખ રાખી પૂજા કરવી જોઇએ તેમજ પુજા વખતે ‘ૐ એં સરસ્વત્યૈ નમ:’ મંત્રનો જાપ કરવો. આ દિવસે સરસ્વતી માતાની પૂજા કરવાથી વિદ્યામાં વૃદ્ધિ થાય છે. તેમજ એકાગ્રતામાં વધારો થાય છે. તેવી માન્યતા છે. આજે પણ વિસરાતી આ પરંપરાને જાળવી રાખવા અનેક સ્થળોએ વિવિધ સંસ્થાઓ દ્વારા વિશેષ આયોજન કરાય છે. જેમાં માં સરસ્વતીની મનમોહક પ્રતિમાની સ્થાપના કરી માતાજીની આરતી, પૂજા, મહાઆરતી કરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, વસંત પંચમી પ્રકૃતિનો ઉત્સવ છે. ભગવાન કૃષ્ણએ ગીતામાં ‘ઋતૂનાં કુસુમાકર:’ કહીને વસંતને પોતાની વિભૂતિ માની છે. જેમ યુવાની જીવનની વસંત છે. તેમ વસંત સૃષ્ટીની યુવાની છે. આમ આપણી ઋતુઓમાં પણ વસંતનું ખૂબ મહત્વ છે. શાસ્ત્રોમાં વસંત પંચમીના દિવસે સરસ્વતી પૂજાને ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. યોગાનું યોગ આ વર્ષે વેલેન્ટાઇન ડે ના દિવસે જ વસંત પંચમીનો દિવસ આવ્યો છે.