Sunday, December 22News That Matters

લોકસભા ચૂંટણી, તહેવારોમાં વેપારીઓ સતર્ક રહે ધાડ, લુંટ, સ્નેચીંગ જેવી ઘટનાઓ સમયે જાગૃત રહે તે માટે જિલ્લા પોલીસવડાએ માર્ગદર્શન આપ્યું

વાપી વિસ્તારમાં આવેલ આંગડીયા પેઢી, જવેલર્સની દુકાનોવાળા તથા બેંકીંગ ક્ષેત્ર સાથે સંકળાયેલ વેપારીઓ/સંચાલકો સાથે વલસાડ જીલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ એક બેઠકનું આયોજન કરી આગામી લોકસભા ચૂંટણી, તહેવારોમાં વેપારીઓ સતર્ક રહે ધાડ, લુંટ, સ્નેચીંગ જેવી ઘટનાઓ સમયે જાગૃત રહે તે માટે માર્ગદર્શન આપ્યું હતું. વાપીના VIA હોલમાં આયોજિત આ બેઠકમાં જિલ્લાના આંગડિયા પેઢી, જવેલર્સ સાથે સંકળાયેલ 400થી વધુ સંચાલકો, કર્મચારીઓ હાજર રહ્યા હતાં. આ બેઠકમાં અસામાજીક પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવાના હેતુથી તેમજ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેવા અગમચેતીના ભાગરૂપે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વાપીમાં આવેલ VIA ઓડિટોરિયમમાં વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાના અધ્યક્ષસ્થાને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના 400થી વધુ અગાંડીયા પેઢી અને જવેલરીના વેંચાણ સાથે કે રોકડ રકમની હેરફેર સાથે સંકળાયેલ સંચાલકો, કર્મચારીઓને બોલાવવામાં આવ્યા હતાં. જેઓને SP ડૉ. કરણરાજ વાઘેલાએ આગામી, લોકસભા સામાન્ય ચુંટણી-2024 તેમજ હોળી-ધુળેટીના તહેવાર અનુસંધાને વલસાડ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તેમજ અગાઉ જીલ્લામાં ધાડ, લુંટ, સ્નેચીંગના બનાવ બનેલ હોય જે અસામાજીક પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવાના હેતુથી, કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેવા અગમચેતીના ભાગરૂપે મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠક અંગે ડૉ. કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે વાપી પોલીસ મથક વિસ્તારમાં લૂંટની ઘટના બની હતી અને ચાલુ વર્ષે પણ અલગ અલગ સ્થળોએ ચેઇન સ્નેચિંગ ના બનાવ બન્યા હતા. જેની તપાસ દરમિયાન કેટલીક મહત્વની કડીઓ ધ્યાનમાં આવી હતી જેના આધારે આંગડિયા પેઢીના સંચાલકો સોના ચાંદીના જ્વેલર્સ તેમજ કેશ રકમની હેરફેર કરતી પેઢીઓ સાથે સંકળાયેલ તેમના સંચાલકો કર્મચારીઓ સાથે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

બેઠકમાં જિલ્લાના 400થી વધુ આંગડિયા પેઢી, જ્વેલર્સ સંચાલકો કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેઓને ભૂતકાળમાં ગુજરાતના અન્ય શહેરોમાં આંગડિયા લૂંટના બનાવ બન્યા હતા તેના અનુભવ વધારે આવી ઘટનાઓ ન બને તે માટે કેવી સલામતી સુરક્ષાની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે આ ઉપરાંત આગામી સમયમાં લોકસભા ચૂંટણી હોય તેને ધ્યાને રાખી રોકડ રકમની હેરફેર દરમિયાન ધ્યાન રાખવામાં આવે તે સંદર્ભે અને આચાર સંહિતા અંગે પણ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. કરનરાજ વાઘેલાની અધ્યક્ષતામાં આયોજિત બેઠકમાં આંગડીયા પેઢી, જવેલર્સની દુકાનોવાળા તેમજ બેંકીગ ક્ષેત્ર તેમજ NBFC (નોન બેંકીગ ફાઇનાન્સ કંપની) સાથે સંકળાયેલ વેપારીઓ તથા પેઢીના આશરે 400 થી વધુ સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં નાયબ પોલીસ અધિક્ષક, બી.એન.દવે તથા વલસાડ જીલ્લાના ક્રાઇમ બ્રાંચ, એસ.ઓ.જી. સહીતના પોલીસ અધિકારીઓએ પણ પોતાના અનુભવો તેમજ તપાસમાં પડેલ અડચણો વિગેરે બાબતે તકેદારી રાખવા પરિસંવાદ કર્યો હતો. ઉપસ્થિત વેપારીઓ સાથે પ્રશ્નોત્તરી કરી જરૂરી સુચનાઓ તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *