Friday, October 18News That Matters

બ્રિજની અણઘડ ડિઝાઇન અને કામમાં દાખવેલી બેદરકારીએ લીધો કાર ચાલકનો ભોગ, માથું ધડથી અલગ

વાપી નજીક બગવાડા ટોલ નાકા પહેલા બનાવેલ નવા ઓવરબ્રિજના એન્ટ્રી પોઇન્ટ પર ગુરુવારે રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર હાઈવેની ખુલ્લી રેલીંગ સાથે અથડાતા રેલિંગના પતરાએ કાર ચાલકનું માથું જ ધડથી અલગ કરી નાખ્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ નવા બ્રિજની અણઘડ ડિઝાઇન અને તે બાદ તેના એન્ટ્રી પોઇન્ટ પર કામમાં દાખવેલી બેદરકારી કોઈકનો ભોગ લેશે તેવી દહેશત પહેલેથી જ લોકોમાં સેવાઇ હતી.

ઘટના અંગે મળતી વિગતો મુજબ ગુરુવારે રાત્રે આ ગમખ્વાર ઘટના ઘટી હતી. જેમાં એક RJ49-CA-6824 નંબરનો કાર ચાલક બગવાડા કંટોલી બ્રિજ પાસે પંહોચ્યો ત્યારે, બગવાડા સ્થિત નવા ઓવરબ્રિજના એન્ટ્રી પોઇન્ટ પાસે વલસાડ જતા રોડ પર હાઈવેની સાઈડ રેંલિંગમાં કાર સમેત ઘુસી ગયો હતો. જેમાં રેંલિંગના પતરાનો ખુલ્લો ભાગ કારનો કાચ તોડી ચાલકના ગળામાં ખુંપી જતા માથું ધડથી અલગ કરી દીધું હતું.

મોડી રાત્રે બનેલા આ કમકમાટીભર્યા અકસ્માતની જાણ બગવાડા ટોલ કર્મચારીઓને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતાં. અકસ્માત જોઈ હાઇવે પર નિકળનારા અન્ય વાહનચાલકો અને સ્થાનિકો પણ મદદે દોડ્યા હતા. જો કે, કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોય તાત્કાલિક પારડી પોલીસ સ્ટેશનને જાણ કરી હતી.

તો, બગવાડા ટોલ નાકના ટોલ ઇન્ચાર્જ કપિલ, સમર્થ પટેલ, વિરલ પટેલ સહિતના સ્ટાફે માનવતા મહેકાવી હતી. અને મૃતકનેં કાર માંથી બહાર કાઢ્યો હતો. હાઇવે હેલ્પલાઇનને જાણ કરતા જીપ અને એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી. જેમાં મૃતદેહને મૂકી હોસ્પિટલ મોકલવામાં મદદરૂપ થયા હતાં. પ્રાથમિક જાણકારી મુજબ મૃતકનું નામ કેશવ વર્મા છે. અને તે બગવાડાની જ શુભમ રેસિડેન્સીનો રહીશ હતો. સમગ્ર ઘટના અંગે પારડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, બગવાડા નજીક નવા બનેલા આ ઓવરબ્રીજ ની ડિઝાઇનને લઈ તેમજ હાઇવે પર આપેલ એન્ટ્રી પોઇન્ટ ને લઈ પહેલેથી જ લોકોમાં અહીં ગંભીર અકસ્માત સર્જાશે તેવી દહેશત હતી. જે આખરે સાચી પડી છે. અને નવા બ્રિજની અણઘડ ડિઝાઇન સહિત તેના એન્ટ્રી પોઇન્ટ પર કામમાં દાખવેલી બેદરકારીએ પહેલો ભોગ લઈ લીધો છે. જો હજુ પણ આ અંગે કોઈ નક્કર આયોજન નહિ થાય તો વધુ લોકોના ભોગ લેવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *