Friday, December 27News That Matters

લો બોલો! બિસ્માર માર્ગના સમારકામની માંગ સાથે ભાઈ બેઠા ભૂખ હડતાળ પર ને ઘરવાળા જ ઉઠાડી ગયા…! પબ્લિસિટી સ્ટંટ કે ખરી વાસ્તવિકતા…?

વલસાડ જિલ્લામાં બિસ્માર બનેલા મુખ્ય માર્ગો રીપેર કરવાની માંગ સાથે વાપીના બલિઠા ગામના બ્રહ્મદેવ મંદિર પરિસરમાં એક જાગૃત નાગરિક 48 કલાકની ભૂખ હડતાળ અને મૌન વ્રત પર ઉતર્યો હતો, જો કે યુવકના પરિવારજનોને તેના હડતાલ પર ઉતરવાની જાણ થતા યુવક 48 કલાકની ભૂખ હડતાલ પૂર્ણ કરે તે પહેલા તેનો પરિવાર આવીને તેને હડતાલ કરતો અટકાવીને ત્યાંથી ઉઠાડીને ઘરે લઈ ગયો હતો,વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદને લઈને વલસાડ જિલ્લા સહીત વાપીના મુખ્ય માર્ગો અને નેશનલ હાઇવે બિસ્માર બન્યા છે. મુખ્ય માર્ગો ઉપર પડેલા ખાડાઓને લઈને અકસ્માતો વધ્યા છે. જેમાં અનેક વાહન ચાલકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે, રસ્તાઓ બિસ્માર બનતા વાહનોમાં પણ ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. બિસ્માર રસ્તાઓને લઈને થાકેલા અને અકસ્માતમાં મૃતક પરિવારના સભ્યો અને અગ્રણીઓએ અનેકવાર NH48ના અધિકારીઓ અને વલસાડ જિલ્લા કલેક્ટર, ધારાસભ્યો અને સાંસદ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને વહીવટી તંત્રને વારંવાર રજુઆત કરવા છત્તા રસ્તાઓ રીપેર કરવા બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. જેને લઈને વાપીનો જયદીપ દલસાણીયા નામનો યુવક બલીઠા ગામે નેશનલ હાઇવે નજીક આવેલ બ્રહ્મદેવ બાપાના મંદિર પરિસરમાં 48 કલાકની ભૂખ હડતાલ પર ઉતર્યો હતો, જયદીપે નેશનલ હાઇવે 48 ઉપર રસ્તાઓનો સમારકામ નથી થઈ રહ્યું તેવા આક્ષેપ સાથે વહીવટી તંત્રને જગાડવા અને રસ્તાનું સમારકામ થાય અને અકસ્માતો અટકે તેવા ઉદેશ્ય સાથે 48 કલાક સુધી મૌન વ્રત અને ભૂખ હાડતાલ ઉપર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો. તેમના સમર્થનમાં સ્થાનિક રીક્ષા ચાલકો સહીત ગામના અન્ય અને જાગૃત નાગરિકો પણ જોડાયા હતા, જેઓએ પણ તંત્ર સમક્ષ વહેલી તકે બિસ્માર બનેલા રસ્તાનું કામ કરવામાં આવે તેવી માંગ કરી હતી, જો કે 48 કલાકની આ ભૂખ હડતાલ માત્ર ત્રણ કલાકમાં જ સમેટાઈ ગઈ હતી, જયદીપના પરિવારજનોને તેની ભૂખ હડતાળની જાણ થતા તેનો પરિવાર બ્રહ્મદેવ બાપાના મંદિરે આવી પહોંચ્યો હતો અને જયદીપને હડતાલ કરતો અટકાવીને તેને ત્યાંથી પરત ઘરે લઇ ગયો હતો,વાપીમાંથી પસાર થતા નેશનલ હાઈવેની દુર્દશાને લઈ વાપીના જયદીપ રમેશચંદ્ર દલસાણીયાએ અધિકારીઓની ચેતના જાગૃત કરવા માટે વલસાડ કલેકટરને એક પત્રથી જાણ કરી 5મી ઓક્ટોબરથી 48 (અડતાલીસ) કલાક માટે અન્ન-જળનો ત્યાગ કર્યો છે. મૌન વ્રત ધારણ કરી ધ્યાન-પારાયણ સાથે ઉપવાસ રાખી આ નાગરિકે અનોખો વિરોધ વ્યક્ત કર્યો છે. જે અરજી અન્વયે તેઓ બ્રહ્મદેવ મંદિર, બલીઠા, વાપી ખાતે 5મી ઓક્ટોબર શનિવારે બપોરના 12 વાગ્યાથી ઉપવાસ પર બેસી ગયા હતાં. જે 7મી સપ્ટેમ્બરના બપોરના 12 વાગ્યા સુધી ઉપવાસ કરવાના હતાં. તેમણે કરેલી અરજીમાં જણાવ્યું છે કે, વાપી અને વાપીની આજુબાજુના ખાસ કરીને ને. હા. નં. 48 તથા સર્વિસ રોડની હાલત ખૂબ જ ખરાબ છે. જેના લીધે જનતા હેરાન-પરેશાન થાય છે. જનતા દ્વારા ટોલ ટેકસ અને અન્ય કરવેરા ભર્યા પછી પણ આટલી હદ સુધી ખરાબ રોડ-રસ્તાનો ભોગ બનવું પડે છે.વાહનચાલકોએ સીટી બેલ્ટ ન પહેર્યો હોય, હેલ્મેટ ન પહેર્યુ હોય, પી.યુ.સી. ન હોય તો સરકારના અલગ-અલગ વિભાગ દ્વારા વિવિધ પ્રકારના દંડ ઉઘરાવે છે. જયારે ખરાબ રસ્તાના કારણે નાગરિકોને અકસ્માત થાય તો કેમ દંડ નથી લેતા એ પણ જીવનું જોખમ છે. એટલે અરજદારની વિનંતી છે કે ખરાબ રસ્તા ઉપર વાહન ચલાવતા નાગરિકો પાસેથી પણ દંડ લેવો જોઈએ. હજારો વર્ષોની ગુલામીની માનસિકતા હજુ લોકોમાં છે અને અન્યાય તથા અત્યાચાર સહન કરવો એજ સારા નાગરિકની ઓળખ બની ગઈ છે.

આ બધુ સહન થતું નથી એટલે હવે 48 (અડતાલીસ) કલાક એટલે કે 2 (બે) દિવસ માટે અન્ન-જળ ત્યાગી મૌન રહી ધ્યાન-ભજન કરવાનો સંકલ્પ લઈ તેની અમલવારી પર બેસી ગયા છે. અધિકારીઓની ચેતના જાગૃત થાય અને વહેલી તકે રોડ-રસ્તાનું સમારકામ થાય તેવી વિનંતી નાગરિકે વહીવટીતંત્ર ને કરી છે.

ઉલ્લેખનીય છે કે, આવા અનોખા વિરોધ પ્રદર્શન સાથે ઉપવાસ પર ઉતરેલા આ ભાઈએ લખેલ અરજીથી ખરા અર્થમાં તે હાઇવે ઓથોરિટીથી ખફા છે કે, હાઇવે પર વાહનો ચલાવી અકસ્માત નોતરતા વાહનચાલકોથી તે અંગે અરજીમાં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી. અને ભાઈ મૌનવ્રત પર બેસેલા હોય વધુ વિગતો મળી નહોતી. એવામાં એના જ પરિવારના સભ્યોએ તેને ઉપવાસ કરતા અટકાવ્યો હોય આ ભાઈ કદાચ મીડિયામાં પબ્લિસિટી માટે પણ આ ઉપવાસ પર બેસેલા હોય શકે છે એવી શંકા લોકોમાં પ્રવર્તી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *