Tuesday, February 25News That Matters

સોલાર પેનલ સંચાલિત બસ દ્વારા ભારતભરમાં એનર્જી સ્વરાજ યાત્રા કરી રહેલા સોલરમેને વાપીના ઉદ્યોગકારોને આપ્યો પર્યાવરણ જતનનો મંત્ર

પૃથ્વી પર વધી રહેલા તાપમાનને ઘટાડવા કેવા પગલાં જરૂરી છે. વધતા તાપમાનને કારણે પૃથ્વી પર કેવી આફતો સર્જાઈ રહી છે. તેનો ગહન અભ્યાસ કરી લોકજાગૃતિ માટે નીકળેલા IIT મુંબઈના પ્રોફેસર ચેતનસિંહ સોલંકી પોતાની સોલાર પેનલ સંચાલિત બસ લઈને વાપી આવ્યા હતાં. વાપીના ઉદ્યોગકારો સાથે તેમણે સોલાર એનર્જી અંગે વિસ્તૃત ચર્ચા કરી ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.

સોલાર પેનલ સંચાલિત અને તમામ સુવિધાઓ ધરાવતી બસ લઈને એનર્જી સ્વરાજ યાત્રાએ નીકળેલા IIT મુંબઈના પ્રોફેસર અને એનર્જી સ્વરાજ ફાઉન્ડેશનના બ્રાન્ડ એમ્બેસેડર રૂપે જોડાયેલ ચેતનસિંહ સોલંકીને સાંભળવા અને તેના ઉદેશયને જાણી પર્યાવરણ જતનમાં કઈ રીતે મદદરૂપ થઇ શકાય તેવા આશયથી વાપીના ઉદ્યોગકારોએ VIA ખાતે તેમની આ પહેલ ના ભાગ રૂપે એનર્જી સ્વરાજ ફાઉન્ડેશન સાથે જોડાઈને “એક્શન ફોર ક્લાઈમેટ કરેક્શન – સોલર એનર્જી” પરના અવેરનેશ સેશનમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ એનર્જી સ્વરાજ યાત્રા અંગે પ્રોફેસર ચેતનસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, આ તેમની 11 વર્ષની યાત્રા છે. જેનો શુભારંભ તેમણે 2020 માં કર્યો છે. યાત્રા 2030 માં પૂરી થશે. આ યાત્રા દરમિયાન તે તેમના ઘરે જવાના નથી પરંતુ તેમણે બનાવેલ બસમાં જ સમગ્ર ભારતનો પ્રવાસ કરશે. બસમાં જ રહીને પ્રવાસ કરવા સાથે પર્યાવરણ પણ જળવાય રહે તે માટે બસની છત પર સોલાર પેનલ લગાવી છે. બસ આ સોલાર પેનલ સંચાલિત છે. બસમાં બેડરૂમ, કિચન, ટોયલેટ, બાથરૂમ, લાઇબ્રેરી, મંદિર અને ગાર્ડનની સુવિધા ઉભી કરવામાં આવી છે. બસમાં લગાવેલ સોલાર પેનલથી તે દરેક કાર્ય બજાવે છે.

ક્લાઈમેટ ચેન્જ અંગે તેમણે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વ માટે ક્લાયમેટ ચેન્જ એ ગંભીર સમસ્યા છે. જેની લોકોમાં જાગૃતિ આવે એવા ઉદેશ્યથી IT પ્રોફેસર હોવા છતાં તે આ યાત્રાએ નીકળ્યા છે. દરેક વ્યક્તિ કાર્બન એમિશન કરે છે. જેના કારણે પૃથ્વીના તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને ઘટાડવો દરેકનો પ્રયાસ હોવો જોઈએ. માત્ર સરકાર કે કોઈ સંસ્થા એ કરી શકે તેમ નથી. એનર્જીને દરેક વ્યક્તિ સમજી શકે, જરૂરિયાત પૂરતી જ એનર્જી વાપરે તો એનર્જીમાં જ સ્વરાજ રહેલું છે. તેવું માની આ યાત્રાનું નામ એનર્જી સ્વરાજ યાત્રા રાખ્યું છે.

કાર્બન એનર્જી મોટેભાગે AC, ગીઝર જેવા હેવી ઉપકરણો ના કારણે ફેલાય છે. જેનો ઓછો ઉપયોગ કરતા શીખવું જોઈએ. ઘરની ડિઝાઇન પણ એવી કરો કે જેમાં સારું એવું અજવાળું રહે અને ઊર્જાની બચત કરી શકાય. પૃથ્વીનું તાપમાન અત્યારે 1.2 ડિગ્રી વધ્યું છે. 1.5 ડિગ્રી સુધીમાં તેને રોકવું જરૂરી છે. આપણે બધા જ ભેગા મળીને આપણા જીવનમાં જો બદલાવ લાવીશું તો જ તેને રોકી શકીશું અને આ પ્રયાસ સતત પેઢીઓ દર પેઢીઓ કરતા રહેવું પડશે તો જ આપણે પૃથ્વીના તાપમાનને વધતું અટકાવી શકશું. પરંતુ ઘટાડી નહીં શકીએ. હાલમાં જે પૃથ્વીનું તાપમાન વધ્યું છે તેના કારણે જ વિશ્વભરમાં તોફાન, વાવાઝોડા, આગની ઘટનાઓ, બરફ પીગળવાની ઘટનાઓ, ઓછો વરસાદ થવો જેવી આફતો ભોગવી રહ્યા છીએ.

ઉલ્લેખનીય છે કે, આ સેશનના મુખ્ય પ્રવક્તા પ્રોફેસર ચેતન સિંઘ સોલંકી, જેઓ ઇન્ડિયાના “સોલર મેન” અને “સોલર ગાંધી” તરીકે ઓળખાય છે. તેમનો પ્રયાસ વધુમાં વધુ સોલાર એનર્જીનો ઉપયોગ કરવા સાથે જરૂરિયાત પૂરતો ઉપયોગ કરવો એ મંત્ર છે. જેનાથી દરેક વ્યક્તિ કે ઉદ્યોગપતિ અનેકગણો વધારાનો ખર્ચ બચાવી શકશે. એટલે ઓછા ખર્ચે વધુ નફો એ દેશના અર્થતંત્રને પણ ધબકતું રાખી શકશે. પર્યાવરણનું જતન કરવામાં સહભાગી પણ બની શકશે. આ સેશનમાં વાપીના અનેક જાણીતા ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતાં. જેઓએ ભારતના સોલરમેનનું સ્વાગત કરી તેમના પ્રયાસને બિરદાવ્યો હતો.

આ સેશનમાં VIA ના ઉપ પ્રમુખ મગન સાવલિયા અને ખજાનચી રાજુલ શાહ, VIA ની પાવર કમિટીના ચેરમેન સુરેશ પટેલ અને જોઈન્ટ ચેરમેન શ્રી જોય કોઠારી, VIA ના માજી પ્રમુખ પ્રકાશ ભદ્રા, કમલેશ પટેલ, VIA ના એગઝીક્યુટીવ કમિટી મેમ્બર્સ કૌશિક પટેલ, પ્રભાકર બોરોલે, ક્રિષ્નાનંદ હેબલે, તુષાર શાહ, હેમાંગ નાયક, પ્રિતેશ શાહ તથા સુનિલ શાહ, નરેન્દ્ર પાટીલ મળી મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *