Sunday, December 22News That Matters

વાપી નગરપાલિકાના અનેક પ્રાણપ્રશ્નો ઉકેલનાર COની નિવૃત્તિ પહેલાના 2 મહિનાનો લાભ ઉઠાવવા બદલી રોકવાનો પ્રયાસ કરવો જોઈએ….?

વાપી નગરપાલિકામાં બદલી પામીને આવેલા ચીફ ઓફિસર શૈલેષ પટેલે પોતાના કાર્યકાળમાં વાપી નગરપાલિકાને વિકાસના પંથે લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. જો કે, હાલમાં તેમની બદલીનો ઓર્ડર થયો છે. તો, તેમની વયમર્યાદા ને કારણે નિવૃત્તિનો સમય પણ માત્ર 2 મહિના જેટલો બાકી છે. ત્યારે, પાલિકામાં અને નગરજનોમાં ચર્ચા છે કે, ચીફ ઓફિસર શૈલેષ પટેલનો આ 2 મહિનાનો લાભ લઇ વાપીના વિકાસમાં સહભાગી બનાવવા તેમની બદલી અટકાવવી જોઈએ. એ માટે પ્રયાસ કરવો જરૂરી છે.

ચીફ ઓફિસર શૈલેષ પટેલના વાપી નગરપાલિકાના કાર્યકાળ દરમ્યાન પાણી, ગટર, વીજળી, રસ્તાના અનેક કામ તેમણે તેમની કાબેલિયતથી ઉકેલ્યા છે. અધ્ધરતાલ રહેલી સોલિડ વેસ્ટ ડંપિંગ સાઈડ, ETP પ્લાન્ટ, સોલાર પ્લાન્ટ, ઓડિટોરિયમ જેવા મહત્વના પ્રોજેકટ માં પોતાની સૂઝબૂઝનો પરચો આપી પરિપૂર્ણ કરવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. સરકારની યોજનાઓનો લાભ નગરજનો ને મળે એ માટે પ્રયાસરત રહ્યા છે.

આગામી માર્ચ-એપ્રિલમાં CO શૈલેષ પટેલ નિવૃત થવાના છે. જો કે, તે પહેલાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા બદલીનો ગંજીપો ચિપાયો છે. જેમાં ચીફ ઓફિસર શૈલેષ પટેલની પણ બદલી કરવામાં આવી છે. તેમને નર્મદા જળ સંપત્તિ વિભાગમાં પરત બોલાવાયા છે. જેમના સ્થાને વાપી નગરપાલિકામાં પ્રોબેશનરી પિરિયડ પર IAS રાજેશ મોર્યા ને ચીફ ઓફિસરનો હવાલો સોંપ્યો છે.

વાપી નગરપાલિકાના હોદ્દેદારો, કર્મચારીઓ, વાપીના નાગરિકો માટે આ સમાચાર અશ્વર્યજનક અને આંચકાજનક છે. તેઓનું માનવું છે કે, ચીફ ઓફિસર શૈલેષ પટેલ વયમર્યાદાને લઈને આગામી 2 મહિનામાં નિવૃત થઈ રહ્યા છે. ત્યારે તેની નિવૃત્તિનો બચેલો સમય જો વાપી નગરપાલિકામાં આપે તો વાપી નગરપાલિકાના અધૂરા પ્રોજેકટ વહેલા પુરા થઈ શકે છે. તેમની કુશળતાનો લાભ વાપી નગરપાલિકાને મળે તે માટે તેમની બદલી અટકાવવા પ્રયાસ કરવો જોઈએ.

જો આ પ્રયાસ કરવામાં આવે તો સ્વચ્છતા, પાણી સપ્લાય જેવા એવોર્ડ મેળવી ગુજરાતમાં આગવું સ્થાન મેળવનાર વાપી નગરપાલિકા વધુ સીમાચિહ્નો અંકિત કરી મહાનગરપાલિકા બનવા તરફ આગળ વધી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *