વાપીમાં ચલા સ્થિત ભાઠેલાં પાર્ટી પ્લોટ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજી ઇવેન્ટના સમીર પટેલ દ્વારા રાસ રમઝટ સિઝન-8 શરદ પૂર્ણિમા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રવિવારના દિવસે આયોજિત આ ગરબા મહોત્સવમાં ગુજરાતની જાણીતી ગરબા ક્વિન કૈરવી બુચ પ્રથમ વખત વાપીમાં આવી ખેલૈયાઓને મોજ કરાવતા ગરબે રમાડ્યાં હતાં.કાના મને દ્વારિકા દેખાડ…, પેથલ પુરમાં પાવો વાગ્યો…, છોગાળા તારા…., જેવા પ્રાચીન, અર્વાચીન ગરબાના ફ્યુઝન સાથે કૈરવી બુચે પોતાના અવાજનો જાદુ પાથર્યો હતો. શ્રીજી ઇવેન્ટની આ રાસ રમઝટ સિઝન 8 માં વાપીવાસીઓ ઉમટી પડ્યા હતાં. 30 થી વધુ ખેલૈયા ગ્રુપ અને અન્ય ગરબા શોખીનો મળીને 2000થી વધુ લોકોએ આ ગરબા મહોત્સવમાં ભાગ લીધો હતો. કૈરવી બુચે જણાવ્યું હતું કે, વાપી વાસીઓ ખરેખર મોજીલા છે. અહીં પ્રથમ વખત આવી છું. પણ લોકોનો પ્રેમ જોઈ લાગે છે કે દર વર્ષે અહીં આવા આયોજન થાય તો તે જરૂર આવતી રહેશે.મીડિયા સાથેની વાતચીતમાં કૈરવી બુચે જણાવ્યું હતું કે, ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ગરબાનો ક્રેઝ વધી રહ્યો છે. લોકો હવે દિવાળી કરતા નવરાત્રીના નવ દિવસ વધુ ઉત્સાહભેર આ પર્વને ઉજવી રહ્યા છે. એક કલાકાર તરીકે તેમણે જણાવ્યું હતું કે, ગરબામાં પણ હવે અનેક વેરાયટી સાથેના ગરબા ગવાય છે. જે દરેક વર્ગના લોકોમાં પ્રિય બની રહ્યા છે. તો, દરેક કલાકારોને સોશ્યલ મીડિયાનો સહારો મળ્યો છે. એટલે, હવે તેમના જેવા અનેક કલાકારોને તેમની એક અલગ ઓળખ ઉભી કરવામાં ફાયદો થયો છે. જો કે, માતાજીની આરાધનાના આ પર્વમાં તે હંમેશા જુના અને દાદા-દાદીના સમયના ગરબા વધુ ગાવાનું પસંદ કરે છે. જે આજે પણ એટલા જ લોકપ્રિય છે.
“Thanks for sharing such valuable information!”