વલસાડ જિલ્લાના વાપી સહિત સંઘપ્રદેશ દમણ દાદરા નગર હવેલી સહિતના આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.
છેલ્લા એક અઠવાડિયાથી દક્ષિણ ગુજરાતની સાથે સંઘ પ્રદેશ દાનહ અને દમણ વિસ્તારમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ સમયાંતરે વરસાદ વરસી રહ્યો છે.
ત્યારે, શુક્રવારના દિવસે સાંજે 5 કલાકની આસપાસ પ્રદેશમાં કાળા ડિબાંગ ઘેરાયેલા વાદળો વચ્ચે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું. વરસાદ એટલો મુશળધાર હતો કે, રસ્તા પરથી અવરજવર કરતા વાહન ચાલકોએ તેમના વાહનોની પાર્કિંગ અને હેડ લાઈટ ચાલુ કરી ધીમી ગતિએ વાહન હંકારવાની ફરજ પડી હતી.
જ્યારે રાહદારીઓએ છત્રી અને પ્લાસ્ટિકની મોટી થેલીના સહારે જવું પડ્યું હતું. અડધો કલાકથી વધુ ના સમય સુધી અનરાધાર વરસેલા વરસાદ ને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. થોડા સમય સુધી વરસેલા વરસાદ ને પગલે પંથકમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વલસાડ, દમણ તથા આસપાસના વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે.