વાપી નગરપાલિકાના સભા ખંડમાં પાલિકા પ્રમુખના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સત્તા પક્ષ અને વિપક્ષના સભ્યોની સહમતીથી ગત વખતની વિવિધ કાર્યવાહી ને બહાલી અપાઈ હતી. સામાન્ય સભામાં પાલિકા કર્મચારીઓને કાયમી કરવા પગાર વધારવા અંગે સત્તાપક્ષના સભ્યોએ રજુઆત કરી હતી. જ્યારે વિપક્ષ દ્વારા લાઈટ, પાણી, રસ્તાની ની રજુઆત કરવામાં આવી હતી.
વાપી નગરપાલિકામાં 19/12/2024ના ગુરુવારે ના રોજ વાપી નગર સેવા સદનના સભાખંડમાં સામાન્ય સભા યોજાઈ હતી. પાલિકા પ્રમુખના અધ્યક્ષપણા હેઠળ યોજાયેલ આ સભામાં વાપી નગરપાલિકામાં તા-30/07/2024 ની મળેલ સામાન્ય સભાની કાર્યવાહી નોંધને બહાલી અપાઈ હતી. તેમજ વાપી નગરપાલિકાનો સને 2024-25નો એપ્રિલ-24 થી સપ્ટેમ્બર-24 સુધીનો છ માસિક હિસાબ મંજૂર કરવામાં આવ્યો હતો. તો, વાપી નગરપાલિકાની કારોબારી સમિતિની કાર્યવાહી નોંધને બહાલી આપવામાં આવી હતી.
સામાન્ય સભામાં સત્તા પક્ષના અને વિપક્ષના સભ્યો સમક્ષ વાપી નગરપાલિકાની તા.10/12/2024ના રોજની ટાઉન પ્લાનીંગ એન્ડ સિટી ઈમ્પ્રવૃમેન્ટ સમિતિની ભલામણ અન્વયે મુસુદારૂપ નગર રચના યોજના નં.1(વાપી)ને ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-1976 ની કલમ-48(1) હેઠળ સરકારશ્રીમાં સાદર કરી હતી.
આ પ્રસંગે વાપી નગરપાલિકાની વિવિધ સમિતીઓ/ચૂંટાયેલા સભ્યો/નગરપાલિકાના વિવિધ વિભાગ તરફથી મળેલ નોંધ/દરખાસ્ત/સુચનો/ભલામણ તથા સરકારશ્રીના વિવિધ પરીપત્રો તથા હુકમો વંચાણે લઈ જરૂરી નિર્ણય લેવામાં આવ્યા હતાં. જો કે, આ સામાન્ય સભામાં 20 વર્ષથી નગરપાલિકામાં કામ કરતા હંગામી કર્મચારીઓને કાયમી કરવા તેમજ તમામ કર્મચારીઓના પગાર વધારવા બાબતે સત્તાપક્ષના સભ્યએ રજુઆત કરી હતી. જ્યારે વિપક્ષી નેતાએ પાણી, રસ્તા અને સ્ટ્રીટ લાઈટ સહિતના મુદ્દે આકરી રજુઆત કરી હતી.
પાલિકા પ્રમુખ પંકજ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ સામાન્ય સભામાં પાલિકા ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને વિવિધ સમિતિઓના હોદ્દેદારો, પાલિકા સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.