વાપીમાં વધુ એક હવસખોરની વલસાડ પોલીસે ધરપકડ કરી છે. પકડાયેલ યુવક પોતે 3 સંતાનનો પિતા હોવા છતાં પાડોશી પરિવારની દીકરી સાથે દુષ્કર્મ આચરતો હતો. જેનાથી 8 માસનો ગર્ભ રહી ગયો છે. હાલ પોલીસે દુષ્કર્મ, પોકસોની કલમ હેઠળ પરિણીત યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટના અંગે વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, વાપી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારની એક ચાલીમાં રહેતા ફરિયાદીએ ફરિયાદ આપી હતી કે તેમની સગીર વયની દીકરી સાથે બાજુમાં જ રહેતા ત્રણ સંતાનના પિતાએ વારંવાર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધી છે. જે ફરિયાદ બાદ દુષ્કર્મ અને પોકસોની કલમ આધારે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં સગીરાનું મેડિકલ ચેક કરવામાં આવ્યું છે. જેમાં સગીરાને આઠ માસનો ગર્ભ હોવાનું બહાર આવ્યું છે.
સગીરા સાથે દુષ્કર્મ આચરનાર આરોપીનું નામ મુન્ના કુમાર શ્રીવાસ્તવ છે. જે મૂળ બિહારનો છે અને વાપીમાં પત્ની અને 3 બાળકો સાથે રહે છે. તે અલગ અલગ ફેક્ટરીઓમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. પીડિતાના બાજુના ઘરમાં જ તે રહેતો હોય પીડીતાના પિતા સાથે મિત્રતા હતી. જેથી તેના ઘરે અવારનવાર આવતો હતો. જે દરમિયાન જ્યારે પણ પીડીતા ઘરે એકલી હોય ત્યારે તેના ઘરે આવી પીડિતાને ધાક ધમકી આપી દુષ્કર્મ આચરતો હતો.
જો કે પીડિતાને પેટમાં અચાનક દુખાવો ઉપડતા તેના માતા-પિતા દવાખાને લઈ ગયા હતા. જ્યાં તબીબોએ તે ગર્ભવતી હોવાનું જણાવ્યું હતું. જેથી માતા-પિતાની પૂછપરછમાં પીડિતાએ સઘળી હકીકત જણાવતા માતા-પિતાના પગ તળેથી જમીન ખસી ગઈ હતી. આ કૃત્ય કરનાર આરોપીને સજા થાય તે માટે વાપી ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ સમગ્ર મામલે પોલીસે હવસખોર પરિણીત યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.