વાપીના ડુંગરા પોલીસ મથકે 77 વર્ષની વૃદ્ધાની કરોડોની જમીન હડપ કરી લેવા મામલે રાજેશ વસંત પરમાર નામના વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઇ છે. રાજેશ વસંત પરમાર નામના આ વ્યક્તિએ વૃદ્ધાની માલિકીની એક જમીનનો 85 લાખમાં સોદો કર્યા બાદ એ જમીનના વેંચાણ પેટે નીકળતા બાકી 38 લાખ રૂપિયા નહિ આપી તેમજ તેના નામે ખોટી સહી કરી, બોગસ પાવર ઓફ એટર્ની તૈયાર કરી કુલ 2.56 કરોડની જમીન હડપ કરી લીધી હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરાયો છે.
ડુંગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ રાતા અને છીરી ગામની અલગ અલગ 10 જેટલા સર્વે નંબર વાળી જમીનની મૂળ માલિક મંજુલા રમેશચંદ્ર શાહ છે. જેની પાસે રાજેશ વસંત પરમારે 2019માં સર્વે નંબર 232 વાળી જમીનનો 85 લાખમાં સોદો કર્યો હતો. જે સોદાની રકમ પૈકી 35 લાખ રોકડા અને 12 લાખના ચેક મળી કુલ 47 લાખ રૂપિયા રાજેશ વસંત પરમારે મૂળ જમીન માલિક મંજુલાબેન શાહને આપ્યા હતાં. જ્યારે 38 લાખની રકમ ચૂકવી નહોતી. જો કે, તે રકમની માંગણી કરવા અને અન્ય જમીનની ખરાઈ કરવા 2023માં મંજુલા બેન અમેરિકાથી વાપી આવ્યા હતાં.
મંજુલાબેને રેવન્યુ રેકર્ડમાં જઇ તેમની જમીનના રેકર્ડ તપાસતા તેમના હોશ ઉડી ગયા હતાં. કેમ કે, તેની રાતા અને છીરીમાં બીજી અલગ અલગ સર્વે નંબરની જમીનના બોગસ પાવર ઓફ એટર્ની, ખોટી સહી કરી રાજેશ વસંત પરમારે પોતાના નામે વેંચાણ દસ્તાવેજ કરી લીધા હતાં. અથવા તો તે જમીન અન્યને વેચી દીધી હતી. કરોડોની જમીન હડપ કરી છેતરપીંડી, વિશ્વાસઘાત કર્યો હોવાનું ધ્યાને આવતા વૃદ્ધાએ ડુંગરા પોલીસે રાજેશ વસંત પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. જે આધારે ડુંગરા પોલીસે રાજેશ પરમારની અટક કરી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તારીખ 19 જાન્યુઆરી સુધીના કસ્ટડી રિમાન્ડ આપ્યા છે.
ફાઇલ ફોટો….. રાજેશ પરમાર…….
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવનાર મંજુલાબેન રમેશચંદ્ર શાહે જણાવ્યું છે કે, તેઓ હાલ નિવૃત જીવન જીવે છે. અને અમેરિકા સ્થાઇ થયા છે. જેઓ મૂળ વાપી તાલુકાના રાતા ગામના વાણિયાવાડના રહીશ છે. રાતા ગામમાં તેમના નામે વડીલોપાર્જીત જમીન છે. જેના સર્વે નંબર 878, 37, 2, 45, 1705, 9 એમ અલગ અલગ કુલ 6 સર્વે નંબર ધરાવતી જમીન છે. જેની કિંમત 1,69,50,000 છે. એ ઉપરાંત રાતા છીરી ગામે સર્વે નંબર 1103, 1451, 1620, 878 મળી કુલ અલગ અલગ 4 સર્વે નંબર ધરાવતી જમીન છે. જેની કિંમત 86,50,000 છે. તમામ સર્વે નંબરો વાળી જમીનની કુલ કિંમત 2,560,5000 રૂપિયા છે. રાજેશ વસંત પરમાર નામના આ ઇસમે કરોડોની જમીન મામલે મૂળ માલિક સાથે છેતરપીંડી, વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાતા હાલ વાપી તાલુકા સહિત વલસાડ જિલ્લામાં ચકચાર મચી ગઇ છે.
ઉલ્લેખનીય છે કે, NRI મહિલાની કરોડૉની જમીન બોગસ પાવર ઓફ એટર્ની દ્વારા હડપ કરનાર રાજેશ વસંત પરમાર નામના વ્યક્તિએ છરવાડામાં પણ કરોડો રૂપિયાની ગૌચરની જમીન પર કબજો કર્યો હોવાનો. અને તેમાં પોતાનું ઘર બનાવી રહ્યો હોવાની વિગતો છરવાડા ગામના જાગૃત નાગરિકે કરેલી RTI આધારે સામે આવ્યું છે. જે અંગે આ જાગૃત નાગરિકે પણ વહીવટીતંત્ર સમક્ષ પુરાવા રજૂ કરી ફરિયાદ કરી છે.