પશ્ચિમ રેલવે લાઈન પર ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. વાપીમાં ફાટક નજીક એક માલગાડી ટ્રેનના એન્જીનમાં ટેક્નિકલ ખામી સર્જાતા આ ઘટના ઘટી છે. જ્યારે બીજી એક માલગાડી ના વેગન પાલઘર નજીક પાટા પરથી ઉતરી ગયા હતાં. બન્ને ઘટનાઓ મંગળવારે સાંજે 5 વાગ્યા આસપાસ ઘટી છે. જેને કારણે પશ્ચિમ રેલવે ડિવિઝનની કેટલીક પેસેન્જર ટ્રેનનો વ્યવહાર ખોરવાયો છે. વાપીમાં તો રેલવે ફાટક પર જ ટ્રેન અટકી ગઈ હોય ફાટક પર વાહનોની લાંબી કતાર લાગી હતી.
મંગળવારે સાંજે 17.08 કલાકે પાલઘર યાર્ડ ખાતે પોઈન્ટ નંબર 117/118 પર માલગાડીના વેગન પાટા પરથી ઉતરી ગયા હતાં. લગભગ 5 થી વધુ વેગન પલટી મારી જતા મુંબઈ – સુરત સેક્શનની લાઇનને અસર થઈ છે. ઘટનાને પગલે તાત્કાલિક રેલવે ની ટીમ સ્થળ પર પહોંચી હતી. રેલવે વિભાગે રિસ્ટોરેશનનું કામ ચાલુ કર્યું હતું.
તો, આ જ સમય ગાળામાં સુરત તરફથી મુંબઈ તરફ જઈ રહેલ વધુ એક માલગાડી વાપી ફાટક પાસે રેલવે સ્ટેશન નજીક અટકી ગઈ હતી. આ માલગાડી ના એન્જીનમાં ટેક્નિકલ ખામી સર્જતાં ટ્રેન અટકી ગઈ હતી. જેને ફરી સક્રિય કરવા વલસાડ રેલવે વિભાગ ના અધિકારીઓ ટેક્નિકલ સ્ટાફ સાથે વાપી આવ્યા હતાં. બન્ને સ્થળોએ ટેક્નિકલ સ્ટાફ દ્વારા તાત્કાલિક મરામત કામગીરી હાથ ધરી હતી.
જો કે એક સાથે 2 સ્થળોએ માલગાડી માં સર્જાયેલ ક્ષતિથી બન્ને તરફનો રેલવે વ્યવહાર થોડા સમય માટે ખોરવાયો હતો. જેને કારણે, Gimb Sbc Express (16505) – Train from Gandhidham Bg to Bangalore Cy Junction, (12432) Trivndrm Rajdhani, Bvc Kcvl Express (19260) Bhavnagar Trmus to Kochuveli જેવી ટ્રેનના સમયમાં ફેરફાર થયો હતો. તેમજ બન્ને ટેક પર રેલવે વ્યવહાર ને અસર પહોંચી હતી.