Friday, October 18News That Matters

દંપતિનો જીવ લેનાર અને પત્રકારને ઘાયલ કરનાર બલિઠા નજીક હાઇવે પર ભરાતા વરસાદી પાણીનું PWD એ કર્યું કાયમી નિરાકરણ

નફ્ફટ હાઇવે ઓથોરિટી અને મહદઅંશે PWDના પાપે બલિઠા નજીક હાઇવે પર પડેલા ખાડા અને તેમાં ભરેલા વરસાદી પાણીના કારણે શુક્રવારે 2 વ્યક્તિઓનો જીવ ગયો હતો. તો, આ અકસ્માત અને વરસાદી પાણીના કવરેજ માટે ગયેલ રિજનલ ચેનલના પત્રકાર ને ટેમ્પો ચાલકે ટક્કર મારતા તે પણ ઘાયલ થયા હતાં. આ ઘટના બાદ PWD અને હાઇવે ઓથોરિટી સફાળું જાગ્યું છે. શુક્રવારની આ ઘટના બાદ શનિવારે PWD દ્વારા આ વરસાદી પાણીના કાયમી નિકાલની વ્યવસ્થા કરી છે.વાપી નજીક બલિઠા ખાતેથી પસાર થતા હાઇવે નંબર 48 અને તેને અડીને બનાવેલ ભૂલભરેલા રેલવે ઓવરબ્રિજ ને કારણે ચોમાસામાં અહીં 2 ફૂટથી વધુ પાણીનો ભરાવો થતો હતો. આ પાણીના ભરાવાના કારણે ધોવાઈ ગયેલા અને મસમોટા ખાડાઓમાં તબદીલ થયેલ રોડ પર સામાન્ય વરસાદમાં પણ હાઇવે પર વાહનોની કતારો લાગતી હતી.

એવામાં શુક્રવારે પડેલા વરસાદને કારણે અહીં પાણીનું તળાવ રચાયું હતું. જ્યાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અને એક દંપતી નું મોત નિપજતા અરેરાટી ફેલાઈ હતી. એક ડમ્પર ચાલકે તેઓની બાઇકને પાછળથી ટક્કર મારી હતી. જેમાં પતિ પત્નીને શરીરે તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ પર જ બન્નેના મોત નિપજ્યા હતાં.

આ અકસ્માતની ઘટનાનું વાપીમાં રહેતા રિઝનલ ચેનલના પત્રકાર કવરેજ કરવા પહોંચ્યા હતાં. પત્રકાર હાઇવે પર નઘરોળ હાઇવે ઓથોરિટીના પાપે ભરાયેલ વરસાદી પાણી અને માર્ગ પર પડેલા મસમોટા ખાડાઓને કારણે સર્જાયેલ અકસ્માતનું તેમજ ટ્રાફિક જામનું કવરેજ કરી રહ્યા હતાં. ત્યારે, પુરઝડપે આવેલા ટેમ્પો ચાલકે તેને અડફેટે લીધા હતાં. અકસ્માતમાં ચેનલના પત્રકારને છાતી, માથાના ભાગે અને હાથના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી.

આ બન્ને ઘટના બાદ ઔરંગા ટાઈમ્સ દ્વારા તે અંગે અહેવાલ પ્રગટ કર્યો હતો. જે અહેવાલની રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને વાપી શહેર ભાજપના આગેવાનો, VIA ના ઉદ્યોગકારોએ ગંભીર નોંધ લીધી હતી. આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા PWD અને હાઇવે ઓથોરિટીને સૂચના આપતા શનિવારે PWD અને હાઇવે ઓથોરિટી ના અધિકારીઓએ સ્થળ મુલાકાત કરી પાણીના નિકાલ માટે બ્રેકરની મદદથી ખાસ નિક બનાવી પાણીનો નિકાલ કર્યો છે. તંત્રની આ કામગીરીથી લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. અને રહી રહીને પણ જાગેલા તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, નેશનલ હાઈવે નંબર 48 પર બલિઠા નજીક હાલમાં જ રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે. આ રેલવે ઓવરબ્રિજ ની ડિઝાઇન એવી બનાવી છે કે, જેના કારણે હાઇવે પરના વરસાદી પાણીનો નિકાલ થતો નહોતો અને પાણીનો ભરાવો થતો હતો. આ સમસ્યા અંગે અનેક વખત મીડિયાએ પણ તંત્રનું ધ્યાન દોર્યું હતું. જેનું નિરાકરણ આખરે એક દંપતીના જીવ ગયા બાદ અને એક પત્રકાર ઘાયલ થયા બાદ આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *