અન્ડરવર્લ્ડની દુનિયામાં ખતરનાક ગુનેગાર ગણાતા અને હાલમાં સાધુ વેશે રહેતા પ્રકાશ પાંડે ઉર્ફે પીપી ને સોમવારે વાપી કોર્ટમાં રજૂ કર્યો હતો. વાપી ટાઉન પોલીસ મથકના એક ગુન્હામાં આરોપી રહેલો આ કુખ્યાત ગુનેગાર છેલ્લા કેટલાક સમયથી અલ્મોડા જેલમાં સજા કાપી રહ્યો હતો. જેને ટ્રાન્સફર વોરંટ થી વાપી લાવી વાપી કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં નામદાર કોર્ટે તેમને નવસારી જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે.
સોમવારે અંડરવર્લ્ડ ડોન પ્રકાશ પાંડેને વાપી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સાધુ વેશમાં રહેલા આ આરોપીને જ્યારે વાપી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે, તેને જોઈ લોકો અચરજ પામ્યા હતાં. પરંતુ જ્યારે તેની ખરી ઓળખ સામે આવી ત્યારે, લોકોને જબબર આંચકો લાગ્યો હતો. કેમ કે, અલ્મોડા જેલમાંથી ગુજરાતના વાપી ખાતે કોર્ટમાં લાવવામાં આવેલો આ સાધુ અંડરવર્લ્ડ ડોન પીપી પાંડે હતો.
પ્રકાશ પાંડે ઉર્ફે પીપી છોટા રાજન ગેંગનો સાગરીત છે. અને તેણે 40 થી વધુ હત્યા કરી છે. અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની હત્યા કરવા પણ તે 2 વખત કરાંચી જઇ આવ્યો છે. જો કે બન્ને પ્રયાસમાં તેને નિષ્ફળતા મળી હતી. પ્રકાશ પાંડે ઉર્ફે પીપીના ગુનાહિત ઈતિહાસમાં ડોકિયું કરીએ તો, 90ના દાયકામાં ઉત્તરાખંડથી મુંબઈ સુધી ગેંગસ્ટર પ્રકાશ પાંડે ઉર્ફે પીપીનો ડર હતો.
છોટા રાજન સાથે કામ કરનાર પીપી ખુબજ ખતરનાક ગુનેગાર હતો. આવા સંજોગોમાં જ્યારે, તેને સાધુ વેશે અલમોડા જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો તે સમયગાળામાં તેને સંત સમાજમાં મોટી જવાબદારી સોંપવામાં આવનાર હતી. જે વિવાદનું કારણ બને તેમ હોય પોલીસે ત્વરિત કાર્યવાહી કરી હતી. જેની ધરપકડ બાદ આ આરોપી સામે વાપી ટાઉનમાં પણ એક ગુન્હો નોંધાયો હોય તેની તપાસ અર્થે તેને ટ્રાન્સફર વોરંટ થી વાપી લાવી વાપી કોર્ટમાં રજૂ કર્યા બાદ નવસારી જેલ હવાલે કરવામાં આવ્યો હતો.