વાપી-સેલવાસ માર્ગ પર ખાડાએ એક મોપેડ ચાલક યુવતીનો ભોગ લીધો છે. જે બાદ તંત્રને સદબુદ્ધિ સુજતા તાત્કાલિક ધોરણે ખાડાનું પુરાણ કરવામાં આવ્યું છે. જો કે, આવા જ જીવલેણ ખાડા બલિઠામાં રેલવે ફાટક થી દાંડીવાડ કબ્રસ્તાનને જોડતા રોડ પર પણ પડ્યા છે. આ ખાડાઓની પંચાયત દ્વારા કોઈ મરામત થતી નથી. જાણે… આ ખાડાઓ પણ કોઈ પરિવારના વ્હાલાનો જીવ લઈ લે પછી જ મરામત કરવાની રાહ જોવાય છે? તેવા સવાલ સાથે લોકોમાં આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. વાપી થી સેલવાસ માર્ગ પર હરિયા પાર્ક ડુંગરા વિસ્તારમાં જીવલેણ ખાડાએ 18 વર્ષીય યુવતીનો ભોગ લીધો છે. આ માર્ગ પર હાલ અસંખ્ય ખાડા પડી ગયા છે. જે ખાડાઓમાંથી પસાર થતી મોપેડ ચાલક યુવતીને ટેમ્પાએ અડફેટે લેતા ઘટના બાદ મોત નીપજ્યું છે. આ ઘટનાને લઈ મૃતકના પરિવારજનોમાં શોકનો માહોલ પ્રસર્યો છે. અકસ્માતની આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જે જોઈ ખ્યાલ આવી શકે છે કે, આ અકસ્માત કેટલો ગંભીર હતો.હરિયા પાર્ક ડુંગરા વિસ્તારમાં વાપી સેલવાસ માર્ગ પર છેલ્લા એક મહિનાથી મોટા ખાડા પડયા છે. જેની કોઈ જ મરામત કરવામાં આવી નહોતી. રસ્તાની બાજુમાં જ એક ઇમારતનું અન્ડર કન્સ્ટ્રકશન કામ ચાલી રહ્યું હોય માલસમાનની આવતી ટ્રકો ના કારણે ખાડો દિવસો-દિવસ વધુ મોટો થયો હતો. ત્યારે, આ જ વિસ્તારમાં રહેતી ભાનુશાલી પરિવારની 18 વર્ષીય દીકરી પોતાનું મોપેડ લઈને જઈ રહી હતી. ખાડાઓ તારવતા મોપેડ પર જતી આ યુવતીને અચાનક જ એક ટેમ્પો ચાલકે અડફેટે લઈ લીધી હતી. જેમાં વાહનના ટાયર નીચે આવી ગયા બાદ અને વાહનની ટક્કર બાદ તે એક્ટિવા સાથે કચડાઈ જતા તેનું મોત નીપજ્યું હતું.આ ઘટના બાદ આસપાસના લોકોમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. મૃતકના પરિવારમાં આક્રંદનું મોજું ફરી વળ્યું હતું. જે જોઈ તંત્રએ તાત્કાલિક આ ખાડામાં પુરાણ કરી દીધું હતું. જો કે, અન્ય ખાડાઓ હજુ પણ જેમના તેમ હોય આ ખાડાઓ વાહનચાલકો માટે મોત બની મંડરાઈ રહ્યા છે. આ તરફ વાપી સેલવાસ માર્ગની જેમ વાપી નજીક આવેલ બલિઠા ફાટક થી લઇ દાંડીવાડ કબ્રસ્તાનને લગતા રોડ પર પણ મસમોટા ખાડાઓ જીવલેણ બની રહ્યા છે. અવારનવાર અહીં નાનામોટા અકસ્માત સર્જાઈ રહ્યા છે. તેમ છતાં પંચાયત કે માર્ગ મકાન વિભાગ આ રસ્તાઓની મરામત કરવામાં આંખ આડા કાન કરે છે. બલિઠાનો આ માર્ગ ભારે વાહનોની અવરજવરથી ધમધમતો માર્ગ છે. માર્ગ પર પડેલા ખાડાઓમાં વરસાદી પાણી ભરાયેલ હોય ખાડો કેટલો ઊંડો છે. તેનો અંદાજ લગાવવામાં વાહનચાલકો ગફલત કરી રહ્યા છે. આ રોડ એસ.ટી. બસો, નોકરીયાતોના વાહનો, સ્કૂલ બસ, ભારે વજનની ટ્રકો માટે મહત્વનો માર્ગ મનાય છે. ખાડાઓમાં કંઈ કેટલી બાઈક સ્લીપ થાય છે. વાહન ચાલક ઇજાગ્રસ્ત થાય છે. પણ અહીંના નેતાઓ, સરપંચો અને આ રોડને લાગતા વળગતા અધિકારીઓ તેની મરામત કરાવવાને બદલે વાપી સેલવાસ રોડ પર બનેલ અકસ્માતની ઘટના જેવી ઘટનાની રાહ જુએ છે. ઉલ્લેખનીય છે કે, વાપી-સેલવાસ, બલિઠા ફાટક થી દાંડીવાડ ઉપરાંત ચલા-દમણ, બલિઠા નેશનલ હાઇવેથી છરવડા અન્ડર બ્રિજ, વાપી સર્કિટ હાઉસ થી રેલવે ગરનાળુ, વાપી ટાઉન થી કચીગામ રોડ જેવા તમામ મુખ્ય માર્ગોની આ જ દશા છે. જેનું મરામત કામ હજુ પણ હાથ નહિ ધરાય તો જેમ એક પરિવારે તેમની વ્હાલી દીકરી ગુમાવી છે. તેમ અન્ય પરિવારે પણ પોતાના વ્હાલા સ્વજનને ગુમાવવાના દિવસો દૂર નથી.