Sunday, December 22News That Matters

વાપી નજીક રેલવે ટ્રેક પાસેથી અને ઉમરગામમાં રેલવે કોલોની નજીકથી મળેલા શંકાસ્પદ મૃતદેહોનો ભેદ ઉકેલી પોલીસે હત્યારાઓને ઝડપી પાડ્યા

તારીખ 1 જૂન અને 3 જૂન ના વાપી અને ઉમરગામ વિસ્તારમાંથી હત્યા કરેલી હાલતમાં મળી આવેલા મૃતદેહોનો વાપી ઉમરગામ પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. બન્ને ઘટનામાં હત્યા કરનાર આરોપીઓને ઝડપી લીધા છે. બન્ને હત્યા પાછળ સામાન્ય કારણ જવાબદાર બન્યું હતું. એકની હત્યા પૈસા બાબતે તો બીજાની હત્યા જમવા જેવી નજીવી બાબતે કરી નાખી હતી.વાપી નજીક બલિઠા રેલવે ટ્રેક પાસેથી મળી આવેલ શંકાસ્પદ મૃતદેહનો અને ઉમરગામમાં રેલવે કોલોની નજીકથી શંકાસ્પદ હાલતમાં મળી આવેલ મૃતદેહની ઓળખ કરી પોલીસે બન્ને ગુન્હાના આરોપીઓને ઝડપી પાડ્યા છે. તારીખ 3 જૂનના વાપીના બલીઠા રેલવે ટ્રેક નજીકથી એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. જેના મૃતદેહ ને પોલીસે પોસ્ટમોર્ટમ માટે રવાના કરી તપાસ હાથ ધરી હતી. જેમાં આ મૃતદેહ વાપીના રામ બિહારી જીતુ ભારદ્વાજ નામના વ્યક્તિનો હોવાની વિગતો મળી હતી. મૃતકના ગળા પર ધારદાર હથિયારના ઊંડા ઘા ના નિશાન હતા. જેની હત્યા અંગે મૃતકના પુત્રએ પિતાના મિત્ર રાજેશ ઉર્ફે બબલુ યાદવ. પર શંકા વ્યક્ત કરી હતી. જે ફરિયાદ આધારે પોલીસે રાજેશની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. જેમાં તેમણે કબુલાત કરી હતી કે, આ હત્યા તેમણે જ છરીના ઘા મારીને કરી છે. હત્યા પાછળ ના ખુલાસા અંગે DYSP બી. એન. દવેએ વિગતો આપી હતી કે મૃતક સહારા ઇન્ડિયામાં કામ કરતો હતો અને વીસી ચલાવતો હતો. જેની પાસેથી રાજેશને વીસીના 8 લાખ રૂપિયા લેવાના હતા. એ ઉપરાંત આઠ લાખ બીજા સહારા ઇન્ડિયામાં પણ તેમને રોક્યા હતા તે પણ લેવાના હતા. આમ કુલ 16 લાખ રૂપિયા આરોપીએ લેવાના હતા. આ રૂપિયાની અવારનવાર તે માંગણી કરતો હતો પરંતુ તે પરત આપતો ન હતો. જે દરમિયાન બનાવના દિવસે હત્યા કરનાર રાજેશ કેરી અને કેળાનો હોલસેલ વેપારી હોય વાપી નજીક આવેલ વડખંભા ગામે કેરી લેવા નીકળ્યો હતો. ત્યારે મૃતક તેમને રસ્તામાં મળી જતા તેને તે પોતાની સાથે લઈ ગયો હતો ત્યાંથી બંને વાઘછીપા ગામે કેરી લેવા ગયા હતા. વાઘછીપાની વાડીમાં બંને વચ્ચે પૈસા બાબતની બોલા ચાલી થઈ હતી. અને તે બાદ ઝઘડો થયો હતો. જેમાં રાજેશે કારમાં રાખેલ છરી વડે તેની હત્યા કરી નાખી હતી. તે બાદ મૃતદેહ ને કારની ડિક્કી માં નાખી વાપી નજીક સગેવગે કરવા ફર્યો હતો. અને ત્રણેક કલાક બાદ મૃતદેહને વાપી નજીક બલિઠા ખાતેથી પસાર થતી રેલવે લાઈનની ગટર નજીક ફેંકી નાસી ગયો હતો.તો, આવી જ અન્ય એક ઘટના 1 જૂનના ઉમરગામમાં બની હતી. ઉમરગામ પોલીસ મથક વિસ્તારમાં રેલવે કોલોની નજીકથી એક સંતોષ યાદવ નામના વ્યક્તિનો હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં બે આરોપીની ઉમરગામ પોલીસે ધરપકડ કરી પૂછપરછ કરતા આ હત્યા તેઓએ કરેલી હોવાની કબુલાત કરી છે.

હત્યા કરનાર બંને આરોપીઓના નામ શૈલેન્દ્ર યાદવ અને સૂરજ ઉર્ફે સૂર્યા રાજભર છે. જેવો બનાવના આગલા દિવસે મૃતક સંતોષ સાથે વલસાડથી ઉમરગામ રેલવેની DFCCIL ના રેલવે કવાટર્સનું લેબરકામ કરવા આવ્યા હતા. ત્રણેય રેલવે કોલોનીમાં રોકાયા હતા. જ્યાં રાત્રે જમવા બાબતે ઝઘડો થયો હતો. જેમાં સંતોષને શૈલેન્દ્ર યાદવ અને સૂર્યા રાજભરે મુક્કા મારી, સળીયો મારી મોત નીપજાવી ભાગી ગયા હતા.ઉલ્લેખનીય છે કે, એક જ સપ્તાહમાં થયેલ આ બન્ને અલગ અલગ હત્યાની ઘટનામાં વાપી અને ઉમરગામ પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ આધારે ઝડપી પાડી જેલમાં સળિયા પાછળ ધકેલી દીધા છે. વાપીમાં જેની હત્યા કરવામાં આવી છે તે નગરપાલિકાના વોર્ડ નમ્બર 7માં ભાજપના પેજ પ્રમુખ હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *