Friday, January 31News That Matters

દમણગંગા નદીના કિનારે પ્લાસ્ટિક, પૂજાની સામગ્રી અને અન્ય કચરાનો ખડકલો…! ગણેશ મહોત્સવમાં વેસ્ટમાંથી બેસ્ટની અને સફાઈ અભિયાનની વાહવાહી લૂંટનાર વહીવટીતંત્ર એક નજર આ તરફ પણ નાખશે?

વાપી અને વલસાડના ઔદ્યોગિક વિકાસની જીવાદોરી સમાન દમણગંગા નદી આજે ગંભીર પ્રદૂષણની સમસ્યાનો સામનો કરી રહી છે. નદીના કિનારે પ્લાસ્ટિક, પૂજાની સામગ્રી અને અન્ય કચરાનો ખડકલો થવાથી નદીનું પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે. એક તરફ ગણેશ મહોત્સવ દરમ્યાન વેસ્ટમાંથી બેસ્ટ ચીજવસ્તુઓ બનાવીને તેમજ સ્વચ્છતા અભિયાનના નામે રેકોર્ડબ્રેક તાગડધિન્ના કરનાર વહીવટીતંત્ર આ બાબતે મૌન સેવી ને બેઠું છે. તો બીજી તરફ નદીને માતા માનનારા શ્રદ્ધાળુઓ જ તેને પ્રદુષિત કરી રહ્યા છે.

દમણગંગા નદીને લોકો માતા માને છે. પરંતુ આજે તે જ માતાને લોકો દૂષિત કરી રહ્યા છે. નદીમાં પૂજાનો સામાન, મંદિરનો કચરો અને પ્લાસ્ટિકનો કચરો ફેંકવામાં આવી રહ્યો છે. કેટલાક તો વળી આ કચરો પ્લાસ્ટિકની થેલીઓ લાવી તે થેલીઓ દમણગંગા બ્રિજ પરથી જ નદીના પાણીમાં ફેંકી રહ્યા છે. કેટલાક વળી પૂજાપાનો અને અન્ય સમાન પાણી માં ફેંકી બ્રિજની રેલીમાં પ્લાસ્ટિકની થેલીઓ બાંધી જાણે પોતે જાગૃત નાગરિક હોય એવો દેખાડો કરી રહ્યા છે. આવા લોકોને કારણે બ્રિજ પરની રેલિંગ પણ આવી પ્લાસ્ટિકની થેળીઓથી ભરેલી દેખાઈ રહી છે. કેટલાક આળસુ ઘરેથી આવો સમાન કે અન્ય કચરો પાણીમાં પધરાવવા લાવે છે. અને એ કચરો બ્રિજ પર જ ફેંકી બ્રિજને ઉકરડો બનાવી રહ્યા છે.

આવા કચરાથી નદીનું પાણી તો પ્રદૂષિત થઈ રહ્યું છે. સાથે જળચર જીવોને પણ નુકસાન પહોંચી રહ્યું છે. આ સમસ્યાના મુખ્ય કારણોમાં જાગૃતિનો અભાવ, સરકારી તંત્રની નબળી કામગીરી અને કડક કાયદાનો અભાવ હોવાનું પ્રતીત થાય છે. લોકોને નદીની સ્વચ્છતા જાળવવાની જરૂરિયાત વિશે જાગૃત કરવાની જરૂર છે. સરકારને નદીની સ્વચ્છતા માટે વધુ કાર્યક્ષમ બનવા માટે દબાણ કરવું જોઈએ. અને નદીમાં કચરો ફેંકનારાઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.

આ સમસ્યાના ઉકેલ માટે સૌએ મળીને પ્રયાસ કરવો જરૂરી છે. શાળાઓ, કોલેજો અને સમાજમાં જાગૃતિના કાર્યક્રમો યોજવા જોઈએ. સરકારને નદીની સ્વચ્છતા માટે વધુ પૈસા ફાળવવા જોઈએ. અને સ્વયંસેવકોની મદદથી નિયમિતપણે નદીની સફાઈ કરવી જોઈએ.

દમણગંગા નદી વાપી ના લોકો માટે, ઉદ્યોગકારો માટે અમૂલ્ય ખજાનો છે. જેને જાળવવા સૌએ મળીને પ્રયત્નો કરવા જોઈએ. આપણી આવનારી પેઢી માટે આપણે આ નદીને સંભાળવી જરૂરી છે.

 

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *